હવે દિલ્હી પર નજર

હવે દિલ્હી પર નજર
ફડણવીસ દિલ્હી પહોંચ્યા
શિવસેનાના 40થી વધુ વિધાનસભ્યો સાથે હોવાનો શિંદેનો દાવો
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 23 : શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને ટેકો આપતા વિધાનસભ્યોની સંખ્યા 41 ઉપર પહોંચી પછી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હી પહોંચ્યા છે. તેમણે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જયપ્રકાશ નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મળીને મહારાષ્ટ્રમાં પ્રવર્તતી રાજકીય પરિસ્થિતિ વિશે વાકેફ કર્યા હતા. તેથી હવે મહારાષ્ટ્રના રાજકારણનો તખતો દિલ્હી ખસેડાયો છે. રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારની મુસીબત અંગે ભાજપની વ્યૂહરચના સ્પષ્ટ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર રચવાની કવાયત શરૂ થઈ છે.
ફડણવીસ દિલ્હી જવા રવાના થયા તે પહેલાં ભાજપના વરિષ્ઠ નેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે અમે રાજ્યમાં સરકાર રચવાની શક્યતા તપાસી રહ્યા છીએ.
એકનાથ શિંદેએ શિવસેનાથી અલગ પડવા છતાં પક્ષાંતર ધારાની જોગવાઈ હેઠળ ગેરલાયક ઠેરવી શકાય નહીં એટલા વિધાનસભ્યો પોતાની છાવણીમાં સામેલ કર્યા છે. તેથી હવે ભાજપની નેતાગીરી મહારાષ્ટ્રમાં સરકાર રચવાની દિશામાં પગલાં ભરવા સક્રિય થઈ છે.
શિવસેનાના બે વિધાનસભ્યો - સંજય રાઠોડ અને કૃષિપ્રધાન દાદા ભુસે તેમ જ વિધાન પરિષદના સભ્ય રવીન્દ્ર ફાટક આજે સાંજે સુરતથી ગુવાહાટી પહોંચી ગયા છે. શિંદે સાથે શિવસેનાના 41 વિધાનસભ્યો હોવાનું સ્પષ્ટ થયું છે.
હવે એકનાથ શિંદે પોતાના જૂથને જ શિવસેનાના જૂથ તરીકે માન્યતા આપવા માટે વિધાનસભાના સ્પીકરને અને શિવસેનાનું ચૂંટણીચિહ્ન `ધનુષ્યબાણ' પોતાને ફાળવવાની વિનંતી ચૂંટણી પંચને કરી શકે છે. બીજી તરફ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પણ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિધાનસભાના વિશ્વાસનો મત મેળવવાનું કહી શકે છે.
એકનાથ શિંદેએ આજે ભાજપનું નામ લીધા વિના જણાવ્યું હતું કે અમને `રાષ્ટ્રીય પક્ષ'એ કશી જરૂર પડે તો બધી મદદ આપવાની ખાતરી આપી છે.
રાષ્ટ્રવાદી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું છે કે શિવસેનાના જે વિધાનસભ્યોએ બળવો કર્યો છે તેઓ વિરુદ્ધ ચોક્કસપણે પક્ષ દ્વારા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
Published on: Fri, 24 Jun 2022

© 2022 Saurashtra Trust