બેડમિન્ટનમાં ગૉલ્ડન હેટટ્રિક : સુવર્ણ સિંધુ, લક્ષ્ય ગોલ્ડ : સાત્વિક-ચિરાગ ચૅમ્પિયન

બેડમિન્ટનમાં ગૉલ્ડન હેટટ્રિક : સુવર્ણ સિંધુ, લક્ષ્ય ગોલ્ડ : સાત્વિક-ચિરાગ ચૅમ્પિયન
બેડમિન્ટનમાં સ્ટાર પીવી સિંધુ, યુવા લક્ષ્ય સેન અને સાત્વિક-ચિરાગની જોડીને કૉમનવૅલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ 
બર્મિંગહામ, તા.8:  કોમનવેલ્થ ગેમ્સ-2022ના આજે 11મા અને આખરી દિવસે ભારતે બેડમિન્ટનમાં સપાટો બોલાવીને ગોલ્ડ મેડલની હેટ્રિક કરી છે. બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની મહિલા સિંગલ્સ બેડમિન્ટન સ્પર્ધામાં ચેમ્પિયન બની છે. જયારે 20 વર્ષના યુવા ખેલાડી લક્ષ્ય સેને પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતીને દેશને 20મો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જયારે મેન્સ ડબલ્સમાં ભારતીય જોડી સાત્વિક સાઇરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ચેમ્પિયન બન્યા હતા. કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુ, લક્ષ્ય અને ચિરાગ-સાત્વિકની જોડીનો આ પહેલો સુવર્ણ ચંદ્રક છે. 
આજે રમાયેલા મહિલા સિંગલ્સના ફાઇનલમાં સિંધુએ કેનેડાની ખેલાડી મિચેલ લીને બે સીધી ગેમમાં 21-15 અને 21-13થી હાર આપીને દેશને વધુ એક ગોલ્ડ મેડલની ભેટ ધરી હતી. જ્યારે યુવા ખેલાડી લક્ષ્ય સેને પુરુષ સિંગલ્સના ફાઇનલમાં મલેશિયાના ખેલાડી જેઇ યંગ સામે ત્રણ ગેમની રસાકસી બાદ મુકાબલો 19-21, 21-19 અને 21-16થી જીતી લીધો હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં પીવી સિંધુનો આ ઓવરઓલ ત્રીજો મેડલ છે. 2014માં ગ્લાસગો અને 2018 ગોલ્ડ કોસ્ટમાં ક્રમશ: બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યા હતા. ગત કોમનવેલ્થ ગેમ્સના ફાઇનલમાં સિંધુ હમવતન ખેલાડી સાઇના નેહવાલ સામે હારી હતી. આ વખતે તેણીએ ફકત ત્રીજો મેડલ અને એ પણ ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. સીડબલ્યૂજીમાં ગોલ્ડ જીતનારી સિંધુ ભારતની બીજી મહિલા બેડમિન્ટન ખેલાડી અને ઓવરઓલ પાંચમી ખેલાડી બની છે.
જયારે 20 વર્ષીય લક્ષ્ય સેને પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે અને તેણે ગોલ્ડ જીતીને નવો ઇતિહાસ આલેખ્યો છે. તે કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારો દેશનો કુલ છઠ્ઠો અને ચોથો પુરુષ બેડમિન્ટન ખેલાડી બન્યો છે. પુરુષ સિંગલ્સમાં આ પહેલા ભારત તરફથી 1978માં પ્રકાશ પાદુકોણે, 1982માં સૈયદ મોદી અને 2014માં પી. 
કશ્યપ કોમનવેલ્થ ચેમ્પિયન બન્યા છે. 
આ પછી મેન્સ ડબલ્સમાં ભારતીય જોડી સાત્વિક અને ચિરાગની જુગલ જોડીએ ફાઇનલમાં ઇંગ્લેન્ડની જોડી સીન વેંડી અને વેન લેનને બે સીધા સેટમાં 21-15 અને 21-13થી હાર આપીને ગોલ્ડ મેડલ કબજે કર્યોં હતો. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ભારતનો બેડમિન્ટનમાં આ ઓવરઓલ 21મો ગોલ્ડ મેડલ છે.
Published on: Tue, 09 Aug 2022

© 2022 Saurashtra Trust