આજથી મહિલા એશિયા કપ : ભારત સામે દબદબો બનાવી રાખવાનો પડકાર

આજથી મહિલા એશિયા કપ : ભારત સામે દબદબો બનાવી રાખવાનો પડકાર
હરમનપ્રીતની ટીમ આજે પહેલી મૅચમાં શ્રીલંકા સામે ટકરાશે
સિલહટ (બાંગ્લાદેશ), તા.30: ઇંગ્લેન્ડ વિરૂધ્ધ કલીન સ્વીપ કર્યાં બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ રન આઉટ વિવાદને પાછળ રાખીને મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં પોતાનું ફોર્મ જાળવી રાખવાના ઇરાદે ઉતરશે. ભારતીય મહિલા ટીમનો પહેલો મેચ શનિવાર શ્રીલંકા વિરૂધ્ધ હશે. ભારતીય મહિલા ટીમને ટી-20 ફોર્મેટમાં બહુ સફળતા મળી નથી, પણ હરમનપ્રિત કૌરની આગેવાની હેઠળની ટીમ એશિયા કપમાં જીતની પ્રબળ દાવેદાર છે. પાછલી વખતને છોડીને ભારતે 2004થી શરૂ થયેલ એશિયા કપમાં દર વખતે ખિતાબ જીત્યો છે. તેણે વન ડે ફોર્મેટમાં ચાર અને ટી-20 ફોર્મેટમાં બે ખિતાબ કબજે કર્યાં છે. 
એશિયા કપ વર્ષ 2012માં વન ડેમાંથી ટી-20માં બદલાવવામાં આવ્યો છે. ભારતીય મહિલા ટીમ આ પછી બે વખત ચેમ્પિયન બની છે. જયારે છેલ્લે 2018માં તેને ફાઇનલમાં બાંગલાદેશ સામે હાર મળી હતી. કોરોના મહામારીને લીધે એશિયા કપનું આયોજન ચાર વર્ષ પછી થઇ રહ્યં છે. આ વખતે ભારતીય ટીમ તેનો દબદબો બનાવી રાખવા માંગશે. 
એશિયા કપમાં કુલ સાત ટીમ ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, શ્રીલંકા, થાઇલેન્ડ, મલેશિયા અને યૂએઇ છે. દરેક ટીમ એક-બીજા સામે રાઉન્ડ રોબિન લીગ મેચ રમશે. ટોચની ચાર ટીમને સેમિ ફાઇનલમાં પ્રવેશ મળશે.
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય મહિલા ટીમને આ મહિને જ ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટી-20 શ્રેણીમાં 1-2થી હાર સહન કરી હતી. પરંતુ હરમનપ્રિતની ટીમે વન ડે શ્રેણીમાં વાપસી કરીને 3-0થી ઇંગ્લેન્ડના સૂપડા સાફ કર્યાં હતા. જે દિગ્ગજ ઝૂલન ગોસ્વામી માટે શાનદાર વિદાય બની રહી હતી. જો કે શ્રેણીના આખરી મેચમાં નોન સ્ટ્રાઇકર એન્ડ પર રન આઉટની ઘટના ઘણી ચર્ચિત બની હતી.
હાલ ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. સ્ટાર સ્મૃતિ મંધાના અને કપ્તાન હરમનપ્રિત સારા બેટિંગ ફોર્મમાં છે.  એશિયા કપમાં યુવા શેફાલી વર્માએ સારો દેખાવ કરવો પડશે. ટીમમાં જેમિમા રોડ્રિગ્સની વાપસી થઇ છે. ઝડપી બોલિંગની જવાબદારી મુખ્યત્વે રેણુકા સિંહ પર રહેશે. સ્પિન વિભાગમાં રાજેશ્વર, દીપ્તિ અને રાધા હશે. બીજી તરફ શ્રીલંકાની ટીમ કપ્તાન ચમારી અટ્ટાપટ્ટુ પણ વધુ નિર્ભર છે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust