રિઝર્વ બૅન્કની નાણાનીતિને શૅરબજારે વધાવી

રિઝર્વ બૅન્કની નાણાનીતિને શૅરબજારે વધાવી
સેન્સેક્ષમાં 1016, નિફ્ટીમાં 276 પૉઇન્ટ્સનો ઉછાળો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ શુક્રવારે નાણાનીતિ અંતર્ગત 50 બેસિસ પૉઇન્ટ રેપોરેટ વધારતાં શૅરબજારમાં સાર્વત્રિક તેજીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
સતત સાત સત્રમાં ઘટયા બાદ આજે બજાર સ્પ્રિંગની માફક ઊછળ્યું હતું. બીએસઈ સેન્સેક્ષ આજે 1017 પૉઇન્ટ્સ વધીને 57,427ના સ્તરે બંધ રહ્યો હતો.
ઇન્ટ્રાડેમાં સેન્સેક્ષ 1312.67 પૉઇન્ટ્સ વધીને 57,722.63ની ઉપલી સપાટીએ પહોંચ્યો હતો.
જ્યારે એનએસઈ નિફ્ટી આજે 276.25 પૉઇન્ટ વધીને 17,094.35ના સ્તરે બંધ થયો હતો. ઇન્ટ્રાડેમાં નિફ્ટી 369 પૉઇન્ટ ઊછળીને 17,187 પૉઇન્ટ્સના શિખરે પહોંચ્યા બાદ પ્રૉફિટ બુક થતાં તેમાં 90 પૉઇન્ટ્સ જેટલો ઘટાડો થયો હતો.
અત્રે નોંધનીય છે કે અમેરિકાની ફેડરલ બૅન્કે વ્યાજદર વધાર્યા ત્યારે દુનિયાભરના બજારની સાથે ભારતીય શૅરબજાર સતત સાત દિવસથી તૂટતું હતું. શુક્રવારે રિઝર્વ બૅન્કે અડધો ટકો વ્યાજદર વધાર્યો જે સૌની ધારણા મુજબ હતો. આ ઉપરાંત રિઝર્વ બૅન્કે ભારતીય અર્થતંત્રની વિકાસગાથા અકબંધ છે તેવો નિર્દેશ આપ્યો. 
આજે સેન્સેક્ષના 30 શૅરોમાંથી 26 અને નિફ્ટીના 50 શૅરોમાંથી 41 શૅરો પૉઝિટિવ ઝોનમાં ઝૂલતા હતા, જે આજની સાર્વત્રિક તેજીની વ્યાપકતા દર્શાવે છે. આજે નાલ્કો, હિન્ડાલ્કો, ભારતી ઍરટેલ, ઇન્ડસઇન્ડ બૅન્ક, બજાજ ફાઈનાન્સ, કોટક બૅન્ક, ટાઇટન, એચડીએફસી બૅન્ક, બજાજ ફિનસર્વ, તાતા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, ઇન્ડિયા સિમેન્ટ, ગ્રોમ્યુઅલ્સ ઇન્ડિયા, કેનેરા બૅન્ક, ફેડરલ બૅન્ક, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, એમસીએક્સ, એબીબી વગેરે શૅરો વધ્યા હતા.
જ્યારે આજે ઘટનારા શૅરોમાં ડૉ. રેડ્ડીઝ, એશિયન પેઇન્ટ્સ, આઈટીસી, હિન્દ યુનિલીવર, અદાણી એન્ટરપ્રાઇઝ, બ્રિટાનિયા, મહાનગર ગૅસ, ડૉ. લાલપેથ લેબ, શ્રી સિમેન્ટ, એસઆરએફ, ઇન્ફો એજ વગેરે શૅરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં સિઓલ, ટોકિયો અને શાંઘાઈમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે હૉંગકૉંગનાં બજારમાં સુધારો જોવા મળ્યો હતો. યુરોપનાં બજારો સત્રના મધ્ય ભાગમાં મજબૂત હતા, જ્યારે અમેરિકાનું શૅરબજાર ગુરુવારે ઘટયું હતું. બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવ 1.19 ટકા વધીને પ્રતિ બેરલ 89.54 ડૉલર થયા હતા. ગુરુવારે એફઆઈઆઈએ  રૂા. 3599.42 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust