દેશના નવા સીડીએસ અનિલ ચૌહાણે સંભાળ્યો કારભાર

નવી દિલ્હી, તા. 30 : જનરલ અનિલ ચૌહાણે શુક્રવારે ભારતના બીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)નો કારભાર સંભાળી લીધો છે. તેમની સામે સશત્ર સેનાના ત્રણે અંગ વચ્ચે સમન્વય અને મહત્વકાંક્ષી થિયેટર કમાનના નિર્માણનું લક્ષ્ય છે. જેથી દેશની સેનાને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરી શકાય.  
જનરલ ચૌહાણ સેનાની પૂર્વી કમાનના પ્રમુખ રહી ચુક્યા છે. તમિલનાડુમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતના નિધનના નવ મહિનાથી વધારે સમય બાદ જનરલ ચૌહાણે સીડીએસની જવાબદારી સંભાળી છે. જનરલ ચૌહાણે કહ્યું હતું કે, તેઓ સેનાની ત્રણે પાંખની આશા ઉપર ખરા ઉતરવાની કોશિશ કરશે. સીડીએસ ચૌહાણે કહ્યું હતું કે, તેઓને ગર્વ છે કે તેઓ ભારતીય સેનાઓના પ્રમુખ પદનો કારભાર સંભાળવા જઈ રહ્યા છે. પોતે ભારત સરકાર, સેનાની પાંખની આશાઓને પુરી કરવાની કોશિશ કરશે. તેમજ જે સુરક્ષા સંબંધિત પડકારો અને મુશ્કેલીઓ છે તેને દુર કરવાની કોશિશ કરવામાં આવશે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust