વાહનોનું ઉત્પાદન 50 લાખનો આંકડો ક્રોસ કરી જશે

વિશ્વસ્તરે અૉટો સેકટરમાં માગ; ભારત જ ગ્રોથ માર્કેટ
મુંબઈ, તા. 30 : ભારતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વસ્તરે અગ્રેસર રહ્યો છે.
એસ ઍન્ડ પી ગ્લોબલ મોબિલીટીના રિપોર્ટ મુજબ વર્ષ 2022ના વર્ષના પ્રથમ છ મહિનામા ભારત અને ચીન સિવાય વિશ્વના અન્ય દેશોની ઓટો માર્કેટમાં એકથી બે આંકડાનો ઘટાડો જોવા મળ્યો છે. ભારતનો ગ્રોથ વિશ્વસ્તરે સૌથી વધુ રહ્યો છે. એસ ઍન્ડ પી ગ્લોબલ મોબિલીટીના રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે હવે પછીના ચાર મહિના અને આગામી વર્ષમાં પણ ભારતમાં આ ગ્રોથ જળવાઈ રહેવાની અપેક્ષા છે.
ભારતમાં આ વર્ષે હળવા વાહનોનું વેચાણ 50 લાખનો આંકડો ક્રોસ કરી જાય એવો અંદાજ છે. ભારતની ઓટો ઈન્ડસ્ટ્રીયલનો વૃદ્ધિ દર સતત બીજા વર્ષે બે આંકડામાં રહેશે. વિશ્વના અન્ય કોઈપણ દેશમાં આટલી વૃદ્ધિ જોવા નથી મળી. વિશ્વના અન્ય બધા જ દેશોમાં ઓટો ક્ષેત્રે સ્લોડાઉન જોવા મળ્યું છે.
વોલ્યુમ ગ્રોથની દૃષ્ટિએ અત્યારે ભારત વિશ્વમાં નંબર વન માર્કેટ છે. આ વર્ષે ભારતે જાપાન, જર્મની, બ્રાઝિલ અને ફ્રાંસને પાછળ છોડી દીધા છે.
વોલ્યુમની દૃષ્ટિએ વિશ્વસ્તરે ભારતની ઓટો માર્કેટ થર્ડ લાર્જેસ્ટ બની ગઈ છે. ભારતની બજાર જાપાન કરતાં આગળ વધી ગઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ ભારતની બજારમાં વિસ્તરણ માટે આગામી સમયમાં સ્કોડા ઓટો ડેઈમલર ટ્રક, નિસ્સાન મોટર કંપની સહિત છથી સાત વૈશ્વિક ઓટો કંપનીઓના સીઈઓ અને ઉચ્ચ અધિકારીઓ ભારતની મુલાકાતે આવી રહ્યા છે.
કારનાં વેચાણમાં ભારતનો સિતારો ચમકશે : મૂડીઝ
ગ્લોબલ રેટિંગ એજન્સી મુડીઝના રિપોર્ટ મુજબ આ વર્ષે ભારતમાં કારના વેચાણનો ગ્રોથ વિશ્વ સ્તરે સૌથી વધુ રહેશે. મુડીઝ ઈન્વેસ્ટર સર્વિસીસના રિપોર્ટ મુજબ ભારતમાં આ વર્ષે કારના વેચાણમાં 12.50 ટકાની વૃદ્ધિ જોવા મળશે. વર્ષ 2023માં બીજા ચાર ટકાનો વધારો થવાની અપેક્ષા છે.
ચાલુ વર્ષે કારના વેચાણ બાબતે ભારત બ્રાઈટ સ્પોટ રહ્યું છે. વર્ષ 2022માં અત્યાર સુધી કારનું વેચાણ જળવાઈ રહ્યું છે. તહેવારોની મોસમને કારણે આગામી મહિનાઓમાં પણ વેચાણમાં વૃદ્ધિ જળવાઈ રહેવાની આશા છે.
કારના વેચાણ બાબતે આ વર્ષે ચીનનો ગ્રોથ રેટ ચાર ટકા અને આવતા વર્ષે 3.50 ટકાનો રહેવાની ગણતરી છે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust