બસમાંથી ઉતરીને સ્ટોપ પરથી જ ઇ-બાઈક પર સવારી કરો

બસમાંથી ઉતરીને સ્ટોપ પરથી જ ઇ-બાઈક પર સવારી કરો
મુંબઈ, તા. 30 : મુંબઈના વ્યવસાયી અને રહેણાંક વિસ્તારોના 180 જેટલા બસ સ્ટોપ ખાતે બેસ્ટ 1000 જેટલી ઈ-બાઈકની સુવિધા ઊભી કરશે જેથી પ્રવાસીઓ બસ સ્ટોપ પરથી તેમની મંજિલ સુધી પહોંચી શકે.
બેસ્ટ ભારતની પ્રથમ આવી પરિવહન સંસ્થા છે જે આવી સુવિધા આપશે. બસમાંથી ઉતરતા પ્રવાસીઓ પોતાની મંજિલ સુધી પહોંચવા અને ત્યાંથી પાછા ફરવા આવી ઈ-બાઈકનો ઉપયોગ સ્ટોપ પરથી જ કરી શકશે. આવી ઈ-બાઈક કોઈપણ સ્ટોપ પરથી લઈ શકશે અને તેને કોઈપણ સ્ટોપ પર છોડી શકશે.
બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રે જણાવ્યું હતું કે, આનાથી બેસ્ટનો ટેક્નૉલૉજી લક્ષી પરિવહન સેવા આપવાનો દાવો વધુ મજબૂત થાય છે.
બેસ્ટ આનું જાહેર પરીક્ષણ જૂનથી કરી રહી છે અને તેને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. 40 હજારથી વધુ પ્રવાસીઓએ આ માટેનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.
શરૂઆતમાં આવી ઈ-બાઈકસ અંધેરી, વિલે પાર્લે, જુહુ, સાંતાક્રુઝ, ખાર, બાન્દ્રા, માહિમ અને દાદર કાતે ઉપલબ્ધ રહેશે અને ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોને આવરી લેવાશે. જૂન, 2023 સુધીમાં ઈ-બાઈકસનો આ કાફલો 5000નો થઈ જશે.
આનું ભાડું વ્યાજબી હશે, શરૂઆતનું ભાડું રૂપિયા 20 હશે અને ત્યારબાદ કીલોમીટરથી દીઠ રૂપિયા 3 અથવા તો મિનિટ દીઠ રૂપિયા 1.50 રહેશે. આની ઝડપ મર્યાદા કલાકના 25 કિલોમીટરની રહેશે, જેથી તેનો પ્રવાસ સુરક્ષિત રહેશે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust