કાબુલની સ્કૂલમાં આત્મઘાતી હુમલો : 100 બાળકનાં મૃત્યુથી અરેરાટી

કાબુલની સ્કૂલમાં આત્મઘાતી હુમલો : 100 બાળકનાં મૃત્યુથી અરેરાટી
કાબુલ, તા. 30 : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારની સવાર ભારે ગોઝારી ઊગી હતી. માનવતાના દુશ્મનોએ એક મહિનામાં ત્રીજીવાર કરેલા લોહિયાળ આત્મઘાતી હુમલામાં કમ સે કમ 100 બાળકનાં મોત થઇ ગયાં હતાં. પોતાનાં વ્હાલસોયાં બાળકોને ખોઇ દેવાના આઘાતથી ભાંગી પડેલા માવતરોના આક્રંદથી ભલભલાનાં કાળજાં કંપી ઊઠે તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. લોકોની સુરક્ષાના તાલિબાની દાવા વધુ એકવાર પોકળ પુરવાર થયા છે. મોટી સંખ્યામાં ઘાયલ થયેલા છાત્રો, લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી મરણાંક હજુ પણ વધવાની ભીતિ સેવાય છે.
કાબુલ શહેરની પશ્ચિમે દશ્ત-એ-બારચી વિસ્તાર સ્થિત કાજ શિક્ષા કેન્દ્રમાં બાળકોને પરીક્ષા માટેની તૈયારી કરાવાઇ રહી હતી ત્યારે જીવલેણ ધડાકો થતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. પહેલાં એક મસ્જિદ અને પછી રૂસી દૂતાવાસની બહાર ધડાકા બાદ શુક્રવારે એક મહિનામાં ત્રીજો ઘાતક હુમલો કરાયો હતો. ધડાકાથી ભય સાથે ભાગદોડ મચી હતી.
કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ જાદરાને જણાવ્યું હતું કે, એક આત્મઘાતી હુમલાખોરે જાતને બોમ્બથી ઉડાવી દેતાં આ હુમલો કર્યો હતો. શિયા મુસ્લિમોની હજારાજાતિ છેલ્લા થોડાક મહિનાથી આતંકવાદીઓના નિશાને છે. ઓગસ્ટ 2021માં અફઘાનની સત્તા પર આવ્યા પછી તાલિબાન દ્વારા કરાતા સુરક્ષાના દાવા આવા હુમલાઓથી પોકળ પુરવાર થયા છે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust