આરબીઆઈ : રેપો રેટ 0.5 ટકા વધારીને 5.9 ટકા કરાયો

આરબીઆઈ : રેપો રેટ 0.5 ટકા વધારીને 5.9 ટકા કરાયો
અંદાજિત વિકાસદર સાત ટકા
મુંબઈ, તા. 30 (એજન્સીસ) : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ની મોનેટરી પૉલિસી કમિટીએ રેપો રેટ 50 બેઝીસ પૉઈન્ટ વધારી 5.90 ટકા કર્યા છે. તેનો ઉદ્દેશ વધતા ફુગાવાને કાબુમાં લેવાનો છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (એસડીએફ) દર 5.65 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (એમએસએફ) દર 6.15 ટકા થયો છે. વ્યાજદરના પાંચ ટકાના નીચલા છેડે એસડીએફ છે અને ઉપલા છેડે એમએસએફ છે.
નાણાપુરવઠા વિશેનું વલણ કડક બનાવવાની નીતિ યથાવત્ રાખી છે. છ સભ્યોની મોનેટરી પૉલિસી કમિટીમાં પાંચ સભ્યોએ દર વધારાની તરફેણમાં મત આપ્યો હતો, જ્યારે એક સભ્યે વિરુદ્ધમાં મત આપ્યો હતો.  દર વધારાને પગલે 10 વર્ષીય બેન્ચમાર્ક સરકારી બોન્ડ પરનું વળતર બે બેસીસ પૉઈન્ટ વધી 7.36 ટકા થયું હતું. રૂપિયો ડૉલર સામે રૂા. 81.68 થયો હતો, જે ગઈ કાલે દિવસે રૂા. 81.85 બંધ રહ્યો હતો. આજના વધારા સાથે મોનેટરી પૉલિસી કમિટીએ ચાલુ નાણાકીય વર્ષમાં રેપો રેટમાં 190 બેઝીસ પૉઈન્ટનો વધારો કર્યો છે.
અનાજ-કઠોળના ભાવના દબાણને ધ્યાનમાં રાખી મોનેટરી પૉલિસી કમિટીએ ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવાના અંદાજો જે અગાઉ હતા તે જ જાળવી રાખ્યા છે. આ વર્ષે ગ્રાહક ભાવાંકનો ફુગાવો 6.7 ટકા રહેવાનો કમિટીનો અંદાજ છે. તેના મતે જુલાઈ/સપ્ટેમ્બરમાં ફુગાવો 7.1 ટકા, અૉક્ટોબર-ડિસેમ્બરમાં 6.25 ટકા અને 2023ના જાન્યુઆરી-માર્ચમાં 5.8 ટકા રહેશે. આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ગ્રાહક ફુગાવો પાંચ ટકા થવાનો સમિતિનો અંદાજ છે.
સીપીઆઈ ફુગાવા માટે રિઝર્વ બૅન્કનો લક્ષ્યાંક ચાર ટકાનો છે અને તેમાં બે ટકા વધઘટ થઈ શકે છે. 2022ના પ્રથમ આઠ મહિનામાં સીપીઆઈ ફુગાવો રિઝર્વ બૅન્કના ટાર્ગેટ ઝોનથી ઊંચો રહ્યો હતો. ભારતનો છૂટક ભાવનો ફુગાવો જે ત્રણ મહિનાથી ઘટતો હતો તે વધી અૉગસ્ટમાં સાત ટકા થઈ ગયો હતો, જે આગલા મહિનામાં 6.7 ટકા હતો. ખાદ્યચીજોના ભાવો વધવાથી આમ થયું હતું. ગત ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતાં કેટલીક વૈશ્વિક વપરાશની ચીજોના ભાવોમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. આથી ભારતના રિટેલ ફુગાવા પર ઉર્ધ્વગામી દબાણ રહ્યું હતું.
એપ્રિલ-જૂનમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)નો વિકાસદર વિશ્વમાં સૌથી ઊંચા દરોમાં સ્થાન પામ્યો હતો. આમ છતાં શક્તિકાંત દાસે જણાવ્યું છે કે આર્થિક વિકાસદર ઘટવાનું જોખમ ઊભું છે. આથી મોનેટરી પૉલિસી કમિટીએ ચાલુ વર્ષ માટે વિકાસદરનો અંદાજ અગાઉથી 7.2 ટકાથી ઘટાડી 7 ટકા કર્યો છે.
જુલાઈ-સપ્ટેમ્બરમાં જીડીપી વિકાસ 6.3 ટકા અંદાજાય છે. અૉક્ટોબર-ડિસેમ્બરના વિકાસદર 4.6 ટકા અને જાન્યુઆરી-માર્ચના 4.6 ટકા અંદાજાય છે. આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક માટે તે 7.2 ટકા અંદાજાયો છે.
તમામ પ્રકારની લોન મોંઘી થશે
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ શુક્રવારે 0.50 ટકા રેપોરેટ વધાર્યે તેના કારણે હવે દરેક પ્રકારની લોન મોંઘી થશે. આ ઉપરાંત હાલની લોન ચૂકવવા માટેના ઈએમઆઈ (ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ) પણ વધશે.
ઉદાહરણ તરીકે કોઈએ રૂા. 50 લાખનું એક મકાન, 10 ટકાના વ્યાજદરની 15 વર્ષની મુદત માટે લોન લઈને ખરીદ્યું હોય તો તેમણે દર મહિને રૂા. 53,730નો ઈએમઆઈ (હપ્તો) ભરવો પડતો હતો, હવે 0.50 ટકા વ્યાજદર વધ્યો તો તેનું ઈએમઆઈ વધીને રૂા. 55,270 થશે. માર્કેટ નિષ્ણાતોએ એવી ભલામણ કરી છે કે લાંબા ગાળાની લોન વાળા છૂટક ગ્રાહકોએ આ સંજોગોમાં બૅન્કનો સંપર્ક કરીને વ્યાજદરના વધારાની તેમના ઈએમઆઈ પર અને લોન પર શું અસર પડશે તેની યોગ્ય માહિતી મેળવવી જોઈએ. ઘર અથવા વાહન ખરીદવાનું હવે વધુ મોંઘું બનશે.
Published on: Sat, 01 Oct 2022

© 2022 Saurashtra Trust