વિનેશ ફોગાટ રોમમાં ગોલ્ડ મેડલ જીતી ફરી વર્લ્ડ નંબર વન

વિનેશ ફોગાટ રોમમાં ગોલ્ડ મેડલ જીતી ફરી વર્લ્ડ નંબર વન
ફાઇનલમાં કૅનેડાની પહેલવાનને 4-0થી હાર આપી રોમ તા.7: ભારતની સ્ટાર મહિલા કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટે ફરી એકવાર શાનદાર દેખાવ કરીને ઇટાલીમાં રમાયેલ માટિયો પેલિકોન રેન્કિંગ રેસલિંગ સિરીઝમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વિનેશનો બીજા સપ્તાહમાં આ સતત બીજો ગોલ્ડ છે. આ જીતથી તેણી તેના વજન ગ્રુપમાં ફરી નંબર વન બની ગઇ છે.  વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ વિનેશએ 53 કિલો વર્ગના ફાઇનલમાં કેનેડાની હરીફ ડાયના મેરી હેલન વીકરને 4-0થી હાર આપીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. વિનેશ ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલીફાઇ થનારી ભારતની એકમાત્ર મહિલા કુસ્તી ખેલાડી છે. ફાઇનલમાં વિનેશે તેના તમામ 4 પોઇન્ટ પહેલા પીરિયડમાં મેળવ્યા હતા. બીજા પીરિયડમાં તેણીએ તેની સરસાઇ જાળવી રાખીને જીત મેળવી હતી. વિનેશે ગત સપ્તાહે કીવમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સતત બે શાનદાર જીતથી તેને વિશ્વ ક્રમાંકમાં 14 પોઇન્ટનો ફાયદો થયો છે અને ફરી નંબર વન બની છે. કેનેડાની પહેલવાર ટૂર્નામેન્ટ પહેલા 40માં નંબર પર હતી. તે સીધી બીજા સ્થાને આવી ગઇ છે. વિનેશે ટૂર્નામેન્ટમાં એક પણ પોઇન્ટ ગુમાવ્યો ન હતો. ભારતની અન્ય એક મહિલા કુસ્તી ખેલાડી સરિતા મોરેએ 57 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer