કિવિઝનો 3-2થી શ્રેણી વિજય : છેલ્લી ટી-20માં કાંગારુઓને સાત વિકેટે હાર આપી

કિવિઝનો 3-2થી શ્રેણી વિજય : છેલ્લી ટી-20માં કાંગારુઓને સાત વિકેટે હાર આપી
ઇશ સોઢીની 3 વિકેટ અને ગુપ્ટિલના આક્રમક 71 રન, અૉસ્ટ્રેલિયા: 20 ઓવર 8/142, ન્યૂ ઝીલૅન્ડ: 15.3 ઓવર 3/143 વેલિંગ્ટન,  તા.7: સ્પિનર ઇશ સોઢીની શાનદાર બોલિંગ અને ઓપનર માર્ટિન ગુપ્ટિલની 71 રનની આક્રમક ઇનિંગની મદદથી ન્યુઝીલેન્ડે આજે પાંચમા અને અંતિમ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હાર આપીને 3-2થી શ્રેણી કબજે કરી હતી. લેગ સ્પિનર ઇશ સોઢીએ 24 રનમાં 3 વિકેટ ઝડપી હતી. શ્રેણીમાંથી તેની 10 વિકેટ થઇ હતી. પહેલો દાવ લેનાર ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 142 રન સુધી જ પહોંચી શકી હતી. ન્યુઝીલેન્ડે 27 દડા બાકી રાખીને માત્ર ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ગુપ્ટિલ (71) અને ડેવોન કોનવે (28 દડામાં 36 રન) વચ્ચે પહેલી વિકેટમાં 11.5 ઓવરમાં 106 રનની વિજયી ભાગીદારી થઇ હતી. બાદમાં ગ્લેન ફિલિપે 16 દડામાં અણનમ 34 રનની આતશી ઇનિંગ રમી હતી. ગુપ્ટિલે 46 દડામાં સાત ચોકકા અને ચાર છકકા લગાવ્યા હતા.   કિવિઝ તરફથી સોઢીને મિશેલ સેંટનરનો સારો સાથ મળ્યો હતો. તેણે 4 ઓવરમાં ફકત 21 રન જ આપ્યા હતા. જ્યારે કામચલાઉ સ્પિનર માર્ક ચેપમેને બે ઓવરમાં 9 રનનો જ ખર્ચ કર્યોં હતો. અન્ય એક પાર્ટટાઇમ કિવિ સ્પિનર ગ્લેન ફિલિપે બે ઓવરમાં 21 રન આપ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટી-20માં પહેલીવાર સ્પિનરોએ 12 ઓવર ફેંકી હતી. બાકીની 8 ઓવર ટિમ સાઉધી (38 રનમાં 2 વિકેટ) અને ટ્રેંટ બોલ્ટ (26 રનમાં 2 વિકેટ)એ ફેંકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યૂ વેડે 44, કપ્તાન એરોન ફિંચે 36 અને માર્કસ સ્ટોઇનિસે 26 રન બનાવ્યા હતા.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer