વિદેશી બજારોમાં ઊંચા ભાવથી સ્થાનિકમાં સ્ટીલમાં તેજી યથાવત્

મુંબઈ, તા. 7 : સ્ટીલની આયાતજકાતનો ઘટાડો 1 એપ્રિલથી અમલમાં આવવાનો છે, તે છતાં બજારભાવ પર તેની અસર અત્યારથી વરતાવા લાગી છે.  પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધી રહ્યા હોવાથી સ્થાનિક સ્ટીલ કંપનીઓ વધારાનો ખર્ચ ગ્રાહકો ઉપર સરકાવી દેવામાં સફળ રહી છે. દાખલા તરીકે સ્ટીલ લોંગ પ્રોડક્ટસ (જે બાંધકામમાં વપરાય છે)ના ભાવ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ટનદીઠ રૂા. 8000 જેટલા ઘટયા હતા, પણ હવે નવી માગના ટેકે ઘટયા ભાવેથી ત્રણેક હજાર રૂપિયા વધી ગયા છે.  હોટરોલ્ડ (એચઆર) કોઈલના ભાવ ગયા વર્ષના જુલાઈથી 55 ટકા વધીને જાન્યુઆરીમાં રૂા. 55,000 નજીક પહોંચી ગયા હતા તે હાલ ટકેલા છે. બજારની ભાવિ ચાલ માટે ચીનના સંકેતોની રાહ જોવાય છે. ચીનમાં નવા વર્ષની રજાઓ પછી ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ થઈ છે.  જાન્યુઆરીમાં ચીનની માગ ઘટવાથી સ્ટીલના ભાવ દબાયા હતા, પણ અમેરિકા અને યુરોપમાં માગ વધવાથી તે પાછા વધી ગયા હતા. એચઆર કોઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ગયા વર્ષના જૂનથી 74 ટકા વધીને ફેબ્રુઆરીમાં ટનદીઠ સરેરાશ 730 ડૉલર થઈ ગયા હતા.  ભારતમાં ઊંચા વ્યાજદર અને નબળી માળખાકીય સવલતોને કારણે સ્ટીલનો ઉત્પાદન ખર્ચ વિદેશી કંપનીઓ કરતાં વધારે આવે છે એમ એક સ્ટીલ કંપનીના સીઈઓએ કહ્યું હતું.  ભારતમાં જાન્યુઆરીમાં સ્ટીલના ઉત્પાદન કરતાં તેની માગ 59,000 ટન વધુ રહેવાથી તે સ્ટીલનો ચોખ્ખો આયાતકાર દેશ બન્યો હતો. લૉકડાઉન હળવો કરતાં આર્થિક પ્રવૃત્તિઓમાં વેગ આવ્યો હોવાથી સ્ટીલની સ્થાનિક માગમાં વધારો થયો છે.  વર્ષ 2020-21ના પ્રથમ દસ માસ (એપ્રિલ-જાન્યુઆરી) દરમિયાન ભારતની સ્ટીલની નિકાસ વર્ષાનુવર્ષ 22 ટકા વધી હતી,  જ્યારે આયાતમાં 37 ટકાનો ઘટાડો થયો હતો. ડિસેમ્બર 2020 સુધી ભારત સ્ટીલનો ચોખ્ખો નિકાસકાર દેશ હતો.  દરમિયાન ખનિજ લોખંડના ભાવ પુરવઠા ખેંચના પગલે ગયે મહિને ટનદીઠ 170 ડૉલર થઈ ગયા હતા જે દસ વર્ષમાં સૌથી વધુ છે અને ગયા વર્ષના જૂનથી પંચાવન ટકાનો ઉછાળો દર્શાવે છે.  સ્થાનિકમાં એનએમડીસીએ 65 ટકા લોહતત્ત્વ ધરાવતા ખનિજ લોખંડના ગઠ્ઠાનો વેચાણ ભાવ જાન્યુઆરીના રૂા. 5700થી ઘટાડીને ફેબ્રુઆરીમાં રૂા. 5100 કર્યો હતો. ભૂકાનો ભાવ રૂા. 4810થી ઘટાડીને રૂા. 4210 (કરવેરા અલગ) કરાયો હતો.  હાર્ડ કોકિંગ કોલસાના ભાવ અૉસ્ટ્રેલિયામાં ચક્રવાત આવતાં ઊંચામાં ટનદીઠ 150 ડૉલર અને નીચામાં 114 ડૉલર બોલાયો હતો. ચીને અૉસ્ટ્રેલિયાથી કોકિંગ કોલની આયાત ઘટાડી નાખતાં તેનો ભાવ ગયા વર્ષના માર્ચમાં ટનદીઠ 159 ડૉલરથી ઘટીને ડિસેમ્બરમાં 102 ડૉલર થઈ ગયો હતો. ભારતીય કંપનીઓ તેમની કોકિંગ કોલની જરૂરિયાતના 70 ટકા અૉસ્ટ્રેલિયાથી આયાત કરે છે.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer