ઓશો ફાઉન્ડેશનની આર્થિક હાલત કથળી : પુણેના બે પ્લૉટ વેચશે

પુણે, તા. 7 : કોરોના મહામારીમાં આર્થિક અછતનો હવાલો આપીને જ્યુરિશ સ્થિત ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશને પુણેસ્થિત કોરેગાંવ પાર્ક ક્ષેત્રમાંના ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ પરના બે પ્લોટને 107 કરોડ રૂપિયામાં વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે.   કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને વિશ્વભરના અમીર અને નામાંકિત લોકોના આકર્ષણનું કેન્દ્ર એવા ઓશો રજનીશ દ્વારા સ્થાપિત વૈશ્વિક સમુદાયના મુખ્યાલય ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટને ગયા વર્ષે માર્ચ મહિનામાં તમામ ગતિવિધિઓ માટે બંધ કરાયું હતું. ફાઉન્ડેશને બે ભૂખંડો બજાજ ઓટોના એમડી અને સીઇઓ રાજીવ બજાજને આપવાનો નિર્ણય લીધો છે. જેમાં 1.5 એકર જમીન પર સ્વિમિંગ પૂલ અને ટેનિસ કોર્ટ છે.   ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એક ધાર્મિક ટ્રસ્ટ છે. તેથી તેણે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મુંબઇમાં ચૅરિટી કમિશનર પાસે એક આવેદન નોંધાવ્યું હતું જેમાં ટ્રસ્ટના બે પ્લોટને વેચવાની પરવાનગી માગવામાં આવી હતી. જોકે, ઓશો શિષ્યના એક જૂથે જે પોતે ઓશો ફ્રેન્ડસ ફાઉન્ડેશને પ્લોટના વેચાણનો વિરોધ નોંધાવી ચૅરિટી કમિશનર સમક્ષ ફરિયાદ કરી છે. ચૅરિટી કમિશનરે તેમની ફરિયાદનો સ્વીકાર કર્યો છે. ઓશો ફ્રેન્ડસ ફાઉન્ડેશનના યોગેશ ઠક્કરે આ મામલે જણાવ્યું હતું કે ટ્રસ્ટને પચાસ કરોડ રૂપિયા ચૂકવી દેવાયા છે. ચૅરિટી કમિશનર સમક્ષ આગામી સુનાવણી 15 માર્ચે છે.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer