મનસુખ હિરેન મૃત્યુ કેસની તપાસ શરૂ : એટીએસે અજ્ઞાત શખસ સામે હત્યાની એફઆઇઆર નોંધી

એન્ટિલિયા નજીક સંદિગ્ધ કારનો કેસ  મુંબઈ, તા. 7 : શુક્રવારે મુંબ્રાના રેતી બંદર પાસે આવેલી કલવા ખાડીમાંથી મનસુખ હિરેનનો મૃતદેહ મળ્યા બાદ મુંબ્રા પોલીસ સ્ટેશને આકસ્મિક મોતની નોંધ કરી હતી. ત્યાર બાદ રાજ્યના ગૃહ વિભાગના આદેશાનુસાર થાણે શહેર પોલીસ પાસેનો મનસુખ હિરેનનો કેસ એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)ને સોંપવામાં આવ્યો હતો. આ મામલે મનસુખ હિરેનના નિવાસસ્થાને એટીએસની ટીમ પહોંચી હતી. મનસુખ હિરેનની પત્ની વિમલાની ફરિયાદના આધારે એટીએસે અજાણ્યા શખસ સામે હત્યાનો આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.  એટીએસે મુંબ્રા પોલીસ પાસેથી તમામ દસ્તાવેજો હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે. એટીએસે મનસુખ હિરેનની હત્યા કરાઇ હોવાનો શક ગણાવ્યો છે. એટીએસે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302, 201, 34, 120 - બી હેઠળ હિરેન મનસુખની પત્ની વિમલા મનસુખ હિરેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં પુરાવા નષ્ટ કરવા માટે એફઆઇઆર નોંધાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર હિરેન મનસુખના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા છે તેમ જ તેનો મૃતદેહ દસ કલાકથી પાણીમાં હોવાની શકયતા પોસ્ટમૉર્ટમમાં વ્યકત કરાઇ છે. ડૉકટરોએ મનસુખના લોહીના નમૂના અને પેટમાંથી ગેસ્ટિક જ્યૂસ કાઢયું છે અને તેને રાસાયણિક તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી દેવાયું છે. છેલ્લે તેના પેટમાં શું હતું તે આ અહેવાલમાં જાણવા મળશે. આ ઉપરાંત તેના શરીર પર ઇજાના નિશાન મળ્યા છે. જેને એન્ટોમૉર્ટમ કહેવાય છે, ઉલ્લેખ પોસ્ટમૉર્ટમ અહેવાલના 18મા પોઇન્ટના એ સેકશનમાં કરાયો છે. પોસ્ટમૉર્ટમના અહેવાલ અનુસાર મનસુખ હિરેનની આંખ નજીક, ચહેરા પાસે નાની ઇજાઓ, પીઠ પર બે જગ્યાએ ઇજાના નિશાન મળી આવ્યા છે. મનસુખ હિરેનના શરીર પર ઇજાના નિશાન મળ્યા હોવાથી તેણે આત્મહત્યા કરી છે કે નહીં ? તે બાબતે સવાલ ઊભો થયો છે.  થાણે મહાનગર પાલિકાના છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં મનસુખ હિરેનનું પોસ્ટમૉર્ટમ થયું હતું. તેનો અહેવાલ થાણે પોલીસને સોંપાયો હતો જેમાં તેનું મોત 12થી 14 કલાક પહેલાં થયું હોવાનો અંદાજ વ્યકત કરાયો છે. મનસુખ હિરેનના પરિવાર સાથે એટીએસે ત્રણ કલાકથી વધુ સમય વાતચીત કરીને નિવેદનો નોંધ્યાં હતાં.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer