સંસદમાં સરકારને ઘેરવા કૉંગ્રેસે રણનીતિ ઘડી

સંસદમાં સરકારને ઘેરવા કૉંગ્રેસે રણનીતિ ઘડી
સંસદીય દળની બેઠકમાં જી-23ના નેતાઓ પણ હાજર નવી દિલ્હી, તા.7: સંસદનાં બજેટ સત્રનાં બીજા તબક્કાનાં આરંભ પહેલા આજે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંસદીય દળની બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી યોજી હતી. જેમાં પક્ષનાં નેતૃત્વ સામે ગંભીર પડકાર ઉભો કરનાર જી-23 જૂથનાં નેતા આનંદ શર્મા અને મનીષ તિવારી પણ સામેલ થયા હતાં. આ બેઠકમાં સંસદમાં સરકારને ઘેરવાની રણનીતિ ઉપર મંથન કરવામાં આવ્યું હતું.  આ બેઠકમાં મલ્લિકાર્જૂન ખડગે, અધીર રંજન ચૌધરી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ, એ.કે.એન્ટોની, જયરામ રમેશ સહિતનાં નેતાઓ હાજર હતાં. આજની કોંગ્રેસની આ શીર્ષ નેતાઓની બેઠકમાં કિસાન આંદોલન, ઓઈલનાં ભાવ સહિતનાં મુદ્દે સરકારને સંસદમાં ભીંસમાં લેવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજની આ બેઠકમાં સ્પષ્ટ સંકેત મળ્યા હતાં કે, હવે બજેટ સત્રનાં બીજા તબક્કામાં કોંગ્રેસ આક્રમક રાજકીય અભિગમ અપનાવશે.  આજની આ બેઠક પહેલા પક્ષનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) મુદ્દે સરકાર ઉપર આક્રમણ કર્યુ હતું. તેમણે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, જીવિકા અધિકાર છે, ઉપકાર નહીં. અમને એમએસપી આપો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સોનિયા ગાંધીએ એક લેખમાં જાહેર સાહસોનાં વિનિવેશ મુદ્દે સરકાર ઉપર હુમલો બોલાવ્યા હતાં અને કહ્યું હતું કે, અર્થતંત્ર ધ્વસ્ત થઈ રહ્યાંનો સરકાર ફાયદો ઉઠાવી રહી છે. દેશની સંપત્તિ મૂડીવાદીઓનાં હવાલે કરવામાં આવી રહી છે.   દરમિયાન આજે મેરઠનાં સરધનામાં કૈલી ગામમાં આયોજિત મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે, કૃષિ કાયદા પરત લેવા માટે ગમે તેટલા વર્ષ લાગી જાય તો પણ તેઓ કિસાનોની સાથે જ રહેશે. આનાં માટે ભલે પછી 100 દિવસ લાગે કે પછી 100 વર્ષ. આપણે પાછળ હટીશું નહીં. જ્યાં સુધી દમ છે ત્યાં સુધી લડીશું.  Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer