ટૂંક સમયમાં આંશિક લૉકડાઉન લાગુ થઈ શકે છે : પાલક પ્રધાન

ટૂંક સમયમાં આંશિક લૉકડાઉન લાગુ થઈ શકે છે : પાલક પ્રધાન
મુંબઈ, તા. 8 : રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી ભીડ ઓછી કરવા ફરી કડક પ્રતિબંધો અમલમાં મૂકવા અંગે રાજ્ય સરકાર વિચારી રહી હોવાનું મુંબઈના પાલક પ્રધાન અસલમ શેખે જણાવ્યું હતું. રવિવારે યોજાયેલી પ્રધાનમંડળની બેઠકમાં આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન કેસની વધઘટ પર નજર રાખ્યા બાદ કેવા પગલાં ભરવા એ અંગેનો નિર્ણય લેવામાં આવશે એમ નક્કી કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસે દિવસે વધતી  હોવાથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી પ્રધાનમંડળની બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સોમવારથી શનિવાર સુધીના છ દિવસોમાં રાજ્યમાં 53,516 નવા કેસ નોંધાયા હતા. જો આ પ્રમાણ ચાલુ રહ્યું તો સપ્ટેમ્બર-અૉક્ટોબર મહિના જેવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. છેલ્લા ત્રણ દિવસમાં રોજ 10 હજાર કરતાં વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. મુંબઈ, પુણે અને ઔરંગાબાદમાં કોવિડ-19ના કેસના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં નોંધાયેલા કુલ 18 હજાર જેટલા કેસમાંથી 10 હજાર કરતાં વધુ કેસ તો મહારાષ્ટ્રમાં નોંધાયા હોવાની નોંધ પ્રધાનમંડળની બેઠકમાં લેવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે પણ રાજ્યમાં વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે એક ટીમ મોકલાવી હોવાનું બેઠકમાં જણાવાયું હતું. આને પગલે કડક નિર્ણય લેવા અંગે પ્રધાનમંડળની બેઠકમાં ચર્ચા થઈ હતી. રાજ્યમાં ફરી એકવાર લૉકડાઉન અમલમાં મૂકવો યોગ્ય નથી, પણ ભીડને રોકવા માટે કડક પગલાં ભરવાની માગણી તમામ પ્રધાનોએ કરી હતી. એટલે બુધવારે બજેટ રજૂ કરાયા બાદ રાજ્યમાં આંશિક લૉકડાઉન અમલમાં મુકાય એવી શક્યતા છે.
શુક્રવારે રાજ્યમાં 87,224 જણના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 10,187 જણ કોરોના પૉઝિટિવ હોવાનું જણાયું હતું. આ પ્રમાણ 11.68 ટકા જેટલું હતું. ફેબ્રુઆરી મહિનામાં કરાયેલા ટેસ્ટ અને સંક્રમિતોની સંખ્યાનું પ્રમાણ 5-6 ટકા જેટલું હતું. 28 ફેબ્રુઆરીથી એ 10 ટકાથી વધુ નોંધાઈ રહ્યું છે.
અત્યારે કોરોનાના કેસની સંખ્યા વધુ હોય એવા જિલ્લામાં કલેક્ટરને પ્રતિબંધ અમલમાં મૂકવાની સત્તા આપવામાં આવી હતી. હવે આ પ્રતિબંધો વધુ કડક બનાવવામાં આવે એવી શક્યતા જણાઈ રહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 11,141 નવા કેસ નોંધાયા છે. સારવાર લઈ રહેલા દરદીઓની સંખ્યા 97 હજાર દરદી કરતાં વધુ થઈ છે. મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, પુણે, નાગપુર, ઔરંગાબાદ શહેરોમાં દરદીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. છેલ્લા બે દિવસ દરમિયાન રાજ્યમાં 10 હજાર કરતાં વધુ કેસ નોંધાયા હતા. તો છેલ્લા ચોવીસ કલાકમાં જ 11 હજાર જેટલા કેસ નોંધાયા હતા.
માસ્ક ન પહેરનારાઓ, લગ્નની વાડી અને પબમાં ભીડ કરનારાઓ પાસેથી દંડ વસૂલવા જેવા પગલાં લઈ કેસને નિયંત્રણમાં રાખવાના પ્રયાસો કરી રહી છે. ચેપને ફેલાતો રોકવા અમે વધુ પગલાં ભરી રહ્યા છીએ. જેમાં એક છે ઇન્સ્ટીટયૂશનલ ક્વૉરન્ટાઇન, મોટા પાયે ટેસ્ટ કરવાની સાથે વધુમાં વધુ લોકોને રસી આપવા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે અને જરૂર પડયે આંશિક લૉકડાઉન પણ અમલમાં મૂકવામાં આવે, એમ શેખે જણાવ્યું હતું. નાના ઘરોને કારણે દરદીને હૉમ ક્વૉરન્ટાઇનમાં રાખવાથી કોઈ હેતુ સરતો નથી, ઉલટાનું પરિવારના અન્ય સભ્યોને ચેપ લાગવાની સંભાવના રહેલી છે. એટલે દરદીને ઇન્સ્ટીટયૂશનલ ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવે એ બહેતર વિકલ્પ છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર સૌથી વધુ ઍક્ટિવ કેસ નોંધાયા છે.
પ્રધાનમંડળની બેઠકમાં બ્રાઝિલ, યુરોપ અને યુકે જેવા દેશોમાં લેવાયેલા પગલાંઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 
Published on: Mon, 08 Mar 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer