ફખરની સતત બીજી સદી : ત્રીજી વન-ડેમાં આફ્રિકા સામે પાક.ને જીતની તક

સેન્ચૂરિયન, તા. 7 : પાકિસ્તાની ઓપનર ફખર જમાંએ આજે દ. આફ્રિક વિરૂધ્ધના ત્રીજા વન ડેમાં પણ શાનદાર સદી (101) અને સુકાની બાબર આઝમે 94 રનની શાનદાર ઇનિંગ રમી છે. બીજા વન ડેમાં 193 રનની ઇનિંગ રમનાર ફખર જમાં આફ્રિકામાં વન ડેમાં ઉપરી ઉપરી બીજી સદી કરનારો ત્રીજો બેટસમેન બન્યો છે. આ પહેલા ઇંગ્લેન્ડના કેવિન પીટરસન અને જો રૂટે આફ્રિકામાં ઉપરાઉપરી બે સદી કરી હતી. ફખરની સદી અને કેપ્ટન બાબર આઝમના 94 રનથી પાકિસ્તાને ત્રીજા વન ડેમાં 50 ઓવરમાં 7 વિકેટે 320 રન ખડકયાં હતા. ઇમામ ઉલ હકે 57 રન બનાવ્યા હતા. તેના અને ફખર વચ્ચે પહેલી વિકેટમાં 112 રનની ભાગીદારી થઇ હતી. પૂંછડિયા હસન અલીએ માત્ર 11 દડામાં અણનમ 32 રન કર્યાં હતા. આફ્રિકા તરફથી કેશવ મહારાજે 3 અને માર્કરમે 2 વિકેટ લીધી હતી. 321 રનના વિજય લક્ષ્યાંક સામે આફ્રિકાએ 28 ઓવરમાં 140 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. આથી પાક. માટે આફ્રિકામાં પહેલીવાર વન ડે શ્રેણીની તક છે.

Published on: Thu, 08 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer