વાઝેની વાપસીનો નિર્ણય પરમબીર સિંહનો

પોલીસ કમિશનરનો તપાસ અહેવાલ
મુંબઈ, તા. 7 : મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાળેએ સચીન વાઝેની મુંબઈ પોલીસમાં વાપસી અને મુંબઈ સીઆઇયુમાં તેના નવ મહિનાનો કાર્યકાળ વિશે મહારાષ્ટ્ર ગૃહ વિભાગને એક રિપોર્ટ સોંપ્યો છે. મુંબઈ પોલીસમાં વાઝેની વાપસીને લઈને ઘણા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જેને પગલે આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં તમામ કારણો રજૂ કરાયા છે જેને લઈને વાઝેની મુંબઈ પોલીસમાં વાપસી થઈ છે.
હેમંત નગરાળેના રિપોર્ટ અનુસાર સચીન વાઝેની નિમણૂકનો નિર્ણય કમિશનર લેવલની બેઠકમાં લેવાયો હતો જેમાં મુંબઈ પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. સચીન વાઝેને નિમણૂક બાદ આર્મ્ડ પોલીસ ફોર્સ ખાતામાં મોકલાયો હતો જે એક નોન-એક્ઝિક્યુટિવ ખાતું છે. 
નવીમી જૂન 2020એ જોઈન્ટ કમિશનરના આદેશ બાદ સચીન વાઝેને ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટમાં બદલી કરાયા હતા. વાઝે ડાયરેક્ટ રિપોર્ટિંગ પરમબીર સિંહને કરતો હતો. તેની નિમણૂક પણ પરમબીર સિંહે જ કરી હતી. રિપોર્ટ અનુસાર પરમબીર સિંહના આ નિર્ણયથી અનેક અધિકારી નારાજ થયા હતા. એક જુનિયર અધિકારી હોવા છતાં તેને મહત્ત્વપૂર્ણ કેસની તપાસ સચીન વાઝેને અપાતી હતી. આ ઉપરાંત વાઝે, પરમબીર સિંહ સાથે હાઈ પ્રોફાઈલ મામલે બ્રિફિંગ દરમિયાન પ્રધાનોની બેઠકોમાં સામેલ થતો હતો. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે સરકારી વાહનો હોવા છતાં વાઝે ખાનગી વાહનોનો ઉપયોગ કરતા હતા.

Published on: Thu, 08 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer