એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની પૂછપરછ

મુંબઈ, તા. 7 : એન્ટિલિયા અને મનસુખ હિરેનની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા સચીન વાઝે આ બંને કેસમાં પ્રમુખ આરોપી છે આ મામલે તપાસ કરી રહેલી એનઆઈએ ટીમે બુધવારે પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહની તપાસ ર્ક્યા બાદ એનઆઈએ અૉફિસમાં બુધવારે સવારે અગિયાર વાગ્યે પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માએ પણ હાજરી આપી હતી. તેની પૂછપરછ થવાથી રાજકીય વર્તુળમાં એક નવી ચર્ચાએ જોર પકડયું હતું.
સૂત્રો અનુસાર પ્રદીપ શર્મા સચીન વાઝેના સંપર્કમાં હતા. પરમબીર સિંહ જ્યારે થાણે પોલીસ કમિશનર હતા ત્યારે તે સમયે પ્રદીપ શર્મા એન્ટિ કરપ્શન બ્યૂરો વિભાગમાં હતા. વાઝે સીઆઈયુ કાર્યાલયમાં કાર્યરત હતા ત્યારે શર્માને અનેકવાર મળ્યા હતા. પરમબીર સિંહે પણ શર્માની મુલાકાત લીધી હતી. 14 સિમકાર્ડની તપાસ ચાલી રહી છે એમાં એક સિમકાર્ડ અંધેરીમાં બંધ થયો હતો. બીજી માર્ચે સચીન વાઝે અને વિનાયક શિંદેએ પશ્ચિમ ઉપનગરમાં એક મિટિંગ પ્રદીપ શર્મા સાથે કરી હોવાની શંકા એનઆઈએને છે. ત્રીજી માર્ચે વાઝેએ પરમબીર સિંહની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ વાઝે અંધેરી ગયો અને ફરી પ્રદીપ શર્મા સાથે મુલાકાત કરી હતી. આ ગુનામાં શર્માનો સહભાગ કેટલો તે બાબતે એનઆઈએ તપાસ કરી રહી છે. આજ સવાલોના જવાબ મેળવવા શર્માને એનઆઈએ અૉફિસ બોલાવાયો હતો.

Published on: Thu, 08 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer