સચીન વાઝેની એનઆઈએ કસ્ટડી નવ એપ્રિલ સુધી લંબાવાઈ

સીબીઆઈને પણ પૂછપરછની અનુમતિ
મુંબઈ, તા. 7 : સચીન વાઝેની એનઆઈએ કસ્ટડી નવમી એપ્રિલ સુધી વધારી દેવાઈ છે તેમ જ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપ બદલ સચીન વાઝેની તપાસ કરવાની પરવાનગી સીબીઆઈને આપવામાં આવી છે. એનઆઈએ કસ્ટડીમાં જ સીબીઆઈ પરમબીર સિંહે દેશમુખ પર મૂકેલા આરોપોની વાઝે પાસે તપાસ કરવાની છે. આ માટેનો સમય સીબીઆઈએ એનઆઈએ સાથે વાતચીત કરી નક્કી કરવાનું કોર્ટે જણાવ્યું છે. તો આ કેસમાં વિનાયક શિંદે અને નરેશ ગોરને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી છે. આ બન્ને 21 એપ્રિલ સુધી ન્યાયિક હિરાસતમાં રહેવાના આદેશ એનઆઈએ કોર્ટે આપ્યા છે.
મનસુખ હિરેન મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક મુકાયેલી વિસ્ફોટક ભરેલી કારની યોજનામાં સામેલ હતો અને તેથી જ તેનો જીવ ગયો એવો દાવો એનઆઈએએ કોર્ટમાં કર્યો છે.
સચીન વાઝે પાસેથી 36 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરાઈ છે. આ રૂપિયા તેની પાસે ક્યાંથી આવ્યા? તેની તપાસ બાકી છે. આ હત્યા કે કાવતરા પાછળ આર્થિક હેતુ હતો, પણ તે શું હતો? તેની તપાસ જરૂરી હોવાનું એનઆઈએએ કોર્ટને જણાવ્યું છે.
દરમિયાન એન્ટિલિયા અને મનસુખ હિરેન હત્યાકેસમાં સચીન વાઝે સહિત વિનાયક શિંદે અને નરેશ ગોરને કોટરમાં હાજર કરાયા હતા. વિનાયક શિંદે અને નરેશ ગોરની એનઆઈએએ જ્યુડિશિયલ કસ્ટડી માગી હતી. આ બન્નેની તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાનું એનઆઈએએ જણાવ્યું હતું. આ દરમિયાન વિનાયક શિંદેએ કોર્ટ સમક્ષ વિશેષ જેલની માગણીને કોર્ટે ફગાવી દીધી હતી. આરોપીને જેલની પસંદગી કરવાનો અધિકાર નથી, રોસ્ટર મુજબ જે જેલ માટે નામ લાગશે ત્યાં મોકલી દેવાશે એમ ન્યાયાધીશ પ્રશાંત સિત્રેએ જણાવ્યું હતું, તો બીજી તરફ સચીન વાઝે માટે એનઆઈએએ ચાર દિવસની પોલીસ કસ્ટડી વધારી દીધી હતી. વીએઓએ અનુસાર 30 દિવસની કસ્ટડી પૂર્ણ કરી લેવાની માગણી તપાસ એજન્સી દ્વારા એએસજી અનિલ સિંહ કોર્ટને વિનંતી કરી હતી.

Published on: Thu, 08 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer