શાહિદ કપૂર મહાભારત માં કર્ણની ભૂમિકા ભજવશે

શાહિદ કપૂર મહાભારત માં કર્ણની ભૂમિકા ભજવશે
છેલ્લા થોડા સમયથી બૉલીવૂડમાં મહાભારત પરથી ફિલ્મ બનવાની હોવાની ચર્ચા થાય છે. આમિર ખાન અને દીપિકા પદુકોણ જેવા કલાકારોના નામ મુખ્ય પાત્રો માટે લેવામાં આવે છે. હવે આ ચર્ચામાં એક નવું નામ શાહિદ કપૂરનું ઉમેરાયું છે. દિગ્દર્શક રાકેશ ઓમ પ્રકાશ મહેરાની મહાભારતમાં શાહિદ કર્ણની ભૂમિકા ભજવવાનો છે. શાહિદને ફિલ્મની પટકથા ગમી છે અને તે કર્ણનું પાત્ર ભજવવા તૈયાર છે. આ પૌરાણિક ડ્રામા ફિલ્મ 2023માં રજૂ થશે. રૉની ક્રુવાલા નિર્મિત આ ફિલ્મને ભવ્ય રીતે બનાવવાનો નિર્ણય શાહિદ અને રાકેશએ કર્યો છે. જોકે, શૂટિંગ અગાઉ એકાદ વર્ષ તો તૈયારીમાં નીકળશે અને શાહિદે પણ પોતાના દેખાવમાં પાત્ર અનુસાર ફેરફાર કરવો પડશે. રાકેશ અને રૉનીએ અગાઉ દિલ્હી 6 અને રંગ દે બસંતી જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત રૉનીની બીજી બિગ બજેટ ફિલ્મ અશ્વતથામા છે જેમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને તેની સાથે સારા અલી ખાનને લેવામાં આવી છે. 
શાહિદની આગામી ફિલ્મ જર્સી છે અને તે જોવા માટે ચાહકોમાં ઉત્સુકતા જોવા મળે છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને પૉસ્ટ પ્રોડકશન કામ ચાલે છે. દરમિયાન અભિનેતા ઓટીટી પ્લેટફોર્મ પર આગમનની તૈયારી કરી રહ્યો છે. દિગ્દર્શક રાજ અને ડીકેની આગામી વેબ સિરીઝમાં શાહિદ જોવા મળશે. આ સિરીઝના શૂટિંગ માટે શાહિદ અભિનેત્રી રાશી ખન્ના સાથે ગોવા ગયો છે. 
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer