ડાન્સરોની નવી પેઢીને જોઈ શકું છું : ગીતા કપૂર

ડાન્સરોની નવી પેઢીને જોઈ શકું છું : ગીતા કપૂર
સોની એન્ટરટેન્મેન્ટ પર સુપર ડાન્સર - ચૅપ્ટર -ફોરમાં બાળકોની અસાધારણ નૃત્ય પ્રતિભા જોવા મળે છે. તેના સુપર તેર સ્પર્ધકોની ઘોષણા કર્યા બાદ હવે આ સપ્તાહના અંતમાં ગ્રાન્ડ  પ્રીમિયર થશે અને તેમાં નિર્ણાયકો તથા પ્રેક્ષકો બાળ સ્પર્ધકોના ઉત્તમ પરફોર્મન્સને જોઈ શકશે. આ સ્પર્ધકો તેમના કૉરિયોગ્રાફર સાથે પ્રથમ ડાન્સ કરશે. આ પ્રીમિયરમાં વિવિધ પ્રકારના વેસ્ટર્ન ડાન્સ વચ્ચે સ્પર્ધક પ્રતીતિ દાસે કરેલા શાત્રીય નૃત્યથી નિર્ણાયકો પ્રભાવિત થયા. પશ્ચિમ બંગાળની વતની પ્રતીતિએ કૉરિયોગ્રાફર શ્વેતા વૉરિયર સાથે જોડી બનાવી છે. શ્વેતા ભારત નાટયમ સાથે પાશ્ચાત્ય ડાન્સના સમન્વય માટે જાણીતી છે. આ બંનેએ ફિલ્મ દેવદાસના મોરે પિયા ગીત પર પરફોર્મ કર્યું હતું. 
પ્રતીતિ અને શ્વેતાની જોડીનો ડાન્સ જોઈને નિર્ણાયક ગીતા કપૂર અત્યંત આનંદિત થઈ હતી અને તેણે પ્રશંસા કરતાં કહ્યું હતું કે, આ ગીતમાં નૃત્યની વિવિધતા દર્શાવવી અત્યંત મુશ્કેલ હતું. પ્રતીતિ અને શ્વેતાની જોડીએ જે દર્શાવ્યું તે કાબિલેદાદ છે. હું આ સ્પર્ધાઓમાં ડાન્સરોની નવી પેઢી જોઈ શકું છું. 
જયારે શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ કહ્યું હતું , ભૂમિ ભંજન નૃત્ય પ્રદર્શન સુપર સે ભી ઉપર હૈ. પ્રતીતિ નસીબદાર છે કે તેને શ્વેતા જેવી ગુરુ મળી. 
બાદમાં પ્રતીતિની મમ્મી પણ સ્ટેજ પર દીકરી સાથે જોડાયાં અને ત્રણેએ પિયા તોસે નૈના લાગે રે.. ગીત પર ડાન્સ કર્યો હતો. આ શનિ-રવિ રાતે આઠ વાગ્યે સોની એન્ટરટેન્મેન્ટ પર જોવા મળશે.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer