સોનાની તેજીમાં બૉન્ડના પ્રત્યાઘાતી સુધારાથી રૂકાવટ

સોનાની તેજીમાં બૉન્ડના પ્રત્યાઘાતી સુધારાથી રૂકાવટ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 20 : સોનાના ભાવમાં શરૂ થયેલી તેજી અટકી જતા ભાવ પ્રત્યાઘાતી ઘટ્યા છે. બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઉછાળો આવવાને લીધે ડૉલર નબળો હોવા છતા કિંમતી ધાતુના ભાવ ઘટી ગયા હતા. ઇન્ટ્રા ડેમાં સોનાનો ભાવ 1775 ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતો. ત્યાંથી ઘટીને 1769 ડૉલરની સપાટીએ રનિંગ હતો.  
ક્વોન્ટીટીવ કૉમોડિટી રિસર્ચના વિષ્લેષક કહે છે, ટ્રેઝરી યીલ્ડ ફરીથી સુધર્યા છે એ કારણે સોનાની તેજી અટકી છે. અલબત્ત મોટો ઘટાડો ડૉલરના કારણે થયો નથી. ડૉલરનું મૂલ્ય નબળું રહેવાને લીધે સામાન્ય નરમાઇ હતી. ગયા અઠવાડિયામાં બેન્ચમાર્ક ટ્રેઝરી યીલ્ડ 1.60 ટકા જેટલા ઘટીને પાંચ સપ્તાહના તળિયે ગયા પછી વળતો સુધારો આવ્યો હતો.  
બોન્ડ યીલ્ડને કારણે ચાલુ વર્ષે સોનાના ભાવમાં 6 ટકાનો ઘટાડો આવ્યો હતો. અન્યથા હેજરૂપે સોનાની ખરીદી સારી રહેતી હોય છે. રોકાણકારોને અત્યારે બોન્ડમાં સારું વળતર મળી રહ્યું છે એટલે સોનામાં વેચવાલી છે. અલબત્ત ગયા વર્ષમાં સોનું 25 ટકા જેટલું વધ્યું હતું. એ કારણે પણ હવે ઉંચા મથાળે વેચવાલી આવી રહી છે. 
બીજી તરફ ડૉલરના મૂલ્યમાં ઘટાડો આવ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ સાત અઠવાડિયાની તળિયાની સપાટીએ અન્ય કરન્સીઓની સામે રનિંગ હતો. પરિણામે સોનામાં ખાસ વેચવાલી વધી ન હતી. ગયા સપ્તાહમાં સોનું 2 ટકા જેટલું વધ્યું હતું, જે ડિસેમ્બર પછી સૌથી સારું સપ્તાહ નીવડ્યું હતુ છતાં ચાર્ટિસ્ટોના મતે 1785 ડૉલરની પ્રતિકારક સપાટી વટાવવામાં સોનાને સફળતા મળી ન હતી. ચાર્ટ પ્રમાણે સોનું કદાચ ફરીથી 1744થી 1758 ડૉલરની રેન્જમાં આવી જઇ શકે છે.  
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ સાધારણ નરમાઇ આવતા ન્યૂ યોર્કમાં 25.84 ડૉલરના મથાળે રનિંગ હતી. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 30ના ઘટાડામાં રૂા. 48820 રહ્યો હતો. મુંબઈની ઝવેરી બજારમાં રૂા. 114ના ઘટાડામાં રૂા. 47478 રહ્યો હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂા. 400 ઘટી જતા રૂા. 69100 અને મુંબઈમાં રૂા. 151 ઘટીને રૂા. 68743 રહી હતી.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer