આરબીઆઇએ કપોળ બૅન્કના સૂચિત ખરીદદાર વિશેની વધુ વિગતો જાણવા માગી

આરબીઆઇએ કપોળ બૅન્કના સૂચિત ખરીદદાર વિશેની વધુ વિગતો જાણવા માગી
કૉસ્મૉસ બૅન્ક, એક એનબીએફસી અને એક અગ્રણી રોકાણકારે રસ દર્શાવ્યો  
વિશેષ સંવાદદાતા  તરફથી
મુંબઈ, તા. 20 : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કપોળ બેન્કના ડિરેક્ટર બોર્ડ પાસેથી  તેને હસ્તગત કરવા માટે મળેલી ત્રણ દરખાસ્તોની વધુ વિગતો જાણવા માંગી છે. 
આ બેન્કને  હસ્તગત કરવા માટે અગ્રણી શિડયુલ્ડ સહકારી બેન્ક કોસ્મોસ બેન્ક, એક  નોન-બેન્કિગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) અને એક અગ્રણી રોકાણકારની દરખાસ્તો ડિરેક્ટર બોર્ડે બેન્કિગ નિયામક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ને 15મી એપ્રિલે  વિચારણા માટે મોકલી હતી. 
સૂત્રોએ કહ્યું કે, બ્લેકસોઇલ કેપિટલ પ્રા. લિ.એ બેન્કને 8મી એપ્રિલે મોકલેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, તેની પાસે બેન્કના ડીપોઝીટર્સને ચૂકવવાના પૂરતા નાણાં અને બેન્કનો વહીવટ સંભાળવાની ક્ષમતા છે. આ એનબીએફસીએ રૂ. 1,495 કરોડનું ધિરાણ આપ્યું છે અને તેના વહીવટ હેઠળ રૂ. 440 કરોડની અસ્ક્યામતો છે. આ ઉપરાંત, મહેન્દ્ર એસ  ભાટેએ પણ આ બેન્કને ખરીદવામાં રસ દર્શાવ્યો છે. ભાટેએ આ બેન્કમાં રૂ. 125 કરોડનું રોકાણ કરવાની તત્પરતા દર્શાવી છે. 
આ રોકાણકાર સાંગલી બેન્કની સાથે સંકળાયેલા છે.  
કપોળ બેન્કના એક ડિરેક્ટર ધવલ મહેતાએ થોડા દિવસો પહેલા રાજીનામું આપ્યું અને બેન્કને ફડચામાં લઇ જવા માટે આરબીઆઇ તૈયારી કરી રહી હોવાની ચાલી રહેલી અફવાઓના સંદર્ભમાં બેન્કનાઅધ્યક્ષ કીર્તિભાઇ શાહે આ સંવાદદાતાને જણાવ્યું કે, બેન્કના અને ડીપોઝીટર્સના વિશાળ હિતમાં આરબીઆઇ  યોગ્ય નિર્ણય લેશે તે માટે અમે આશાવાદી છીએ. 
કપોળ બેન્કના માર્ચ 31, 2021ના રોજ રૂ. 393 કરોડની ડિપોઝીટ સામે રૂ. 147 કરોડનું ધિરાણ હતું, જેમાંથી રૂ. 139 કરોડ એનપીએ ( વસૂલી શંકાસ્પદ) છે. જોકે, આ એનપીએ સામે પણ રૂ. 119 કરોડની જોગવાઈ છે.  બેન્કની રૂ. 263 કરોડની એકત્રિત ખોટ છે, જે તેની મૂડી અને અનામત ભંડોળ કરતા વધુ હોવાથી તેની સામે માંડવાળ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
વાઇસ ચેરમેન અવિનાશ પારેખે કહ્યું કે, પાંચ લાખ રૂપિયા સુધીની તમામ ડીપોઝીટ વીમા સુરક્ષા કવચ હોવાથી તે સુરક્ષિત છે, પણ  તેથી વધુ રકમની ડિપોઝીટ ધરાવનારાને શક્ય તેટલા વધુ નાણાં સૂચિત ખરીદદાર તરફથી મળે તે માટે બોર્ડે આરબીઆઇને વિનંતી કરી છે. બેન્કના ડિરેકટરો દ્વારા એનપીએની વસૂલીના પુરા પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી ડીપોઝીટર્સને વધુમાં વધુ નાણાં મળે, એમ જણાવતા તેમણે વધુમાં કહ્યું કે, બેન્કે રૂ 20 કરોડની રકમ વસૂલી છે અને રૂ. 80 કરોડની પ્રોપર્ટી બેન્કના તાબામાં છે. એટલે, ડીપોઝીટર્સને તેમના 30થી 35 ટકા નાણાં ગુમાવવા પડે તેવી હિતશત્રુઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી અફવા પાયાવિહોણી છે, એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. 
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer