મહારાષ્ટ્ર સરકાર કોરોના રસીની આયાત કરશે

વૅક્સિનેશનના વ્યાપક અભિયાનની તૈયારી 
મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર વિદેશથી રસીની આયાત કરશે. તેના માટે બધા ખાતામાંનાં નાણાં ફાળવવામાં આવશે. બ્રિટનની જેમ આખા મહારાષ્ટ્ર રાજ્યમાં બધાંને રસી આપવાનું અભિયાન છેડવામાં આવશે. એવો નિર્ણય આજે કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે એમ રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું છે.
ટોપેએ પત્રકારોને જણાવ્યું હતું કે અમે રાજ્યમાં દરરોજ સાત લાખ લોકોને રસી આપવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. જોકે તેની ઉપલબ્ધતા અપૂરતા પ્રમાણમાં હોવાથી અમે ફક્ત ત્રણ લાખ લોકોને રસી આપી શકીએ છીએ. બ્રિટનમાં 60 ટકા લોકોને રસી આપી દેવાઈ છે. ત્યાં દરરોજ સરેરાશ દસ કરતાં પણ ઓછા લોકોનાં મૃત્યુ નીપજે છે. આખા બ્રિટનને ત્રણ માસ લૉકડાઉન હેઠળ રાખવામાં આવ્યું હતું. ત્યાં મોટા પાયે રસીકરણની ઝુંબેશ ચલાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મોટા પાયે રસીકરણ માટે અમે રસી ખરીદવા બીજા ખાતામાંથી નાણાં ફાળવશું. અમે ફક્ત કોવિશિલ્ડ અને કોવૅક્સિન એ બે રસી પૂરતા મર્યાદિત નહીં રહીએ. અમે સ્પુટનિક-પાંચ, ફાઇઝર અને મોડર્નાએ રસી મેળવવા પ્રયાસ કરશું. મહારાષ્ટ્રની રસીકરણ ઝુંબેશમાં 18થી 45 વર્ષની વયજૂથના લોકોને આવરી લેવામાં આવશે. જ્યારે 45 વર્ષની ઉપરના લોકોને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી રસીના ડૉઝ આપવામાં આવશે એમ ટોપેએઁ ઉમેર્યું હતું.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer