મરઘીએ ઇંડાં આપવાનું બંધ કરતાં પોલીસમાં ફરિયાદ

પુણે, તા. 20 : મરઘીઓએ ઇંડાં આપવાનું બંધ કરતા પોલ્ટ્રીના માલિક લોણીકાળભોર પોલીસ સ્ટેશન દોડી ગયો હતો. એણે નોંધાવેલી ફરિયાદમાં કંપનીએ આપેલા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થને કારણે મરઘીઓના આરોગ્ય પર વિપરિત અસર થઈ હોવાથી ઇંડાં આપવાનું બંધ કરતા ભારે આર્થિક નુકસાન સહેવું પડયું હોવાનું જણાવ્યું હતું. આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું.
હવેલી તાલુકાના આળંદી મ્હાતોબાચીના વતની લક્ષ્મણ મુકુંદ ભોંડવેએ કરેલી ફરિયાદની અરજી પર બીજા 27 જણે પણ સહી કરી હતી. ભોંડવેએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદી સહિત અન્યોએ 11 એપ્રિલે અહમદનગર સ્થિત એક કંપની પાસેથી મરઘીઓ માટેનો ખાદ્ય પદાર્થ ખરીદ્યો હતો. એ મરઘીઓને આપ્યા બાદ તેમના શરીર પર વિપરિત અસર થતા તેમણે ઇંડાં આપવાનું બંધ કર્યું છે. આને કારણે તેમને બધાને ભારે આર્થિક નુકસાન સહેવું પડયું. આ બાબત ધ્યાનમાં આવતા કંપનીને જાણ કરવા છતાં તેણે ઉડાઉ જવાબ આપતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો.
ભોંડવેએ જણાવ્યુ કે 11 એપ્રિલે લીધેલો ખાદ્ય પદાર્થ આપ્યાના ત્રણ દિવસ બાદ એક લાખ કરતા વધુ મરઘીઓએ ઇંડાં આપવાનું બંધ કર્યું છે. સામાન્યપણે ઉનાળામાં ઇંડાં ઓછાભાવે વેચાય છે પણ કોરોનાકાળમાં ઇંડાંનો વધુ ભાવ મળતો હોય છે. એવામાં મરઘીઓએ ઇંડાં આપવાનું બંધ કરતા અમને ભારે નુકસાન થયું છે.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer