રામનવમી, હનુમાન જયંતી અને મહાવીર જયંતી માટે માર્ગદર્શક સૂચના

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્ર સરકારે શ્રીરામનવમી, હનુમાન જયંતી અને મહાવીર જયંતીની ઉજવણી અંગે માર્ગદર્શક સૂચના બહાર પાડી છે. રાજ્ય સરકારે આ ઉત્સવો ઘરે રહીને જ ઊજવવાની લોકોને અપીલ કરી છે. મહારાષ્ટ્રમાં 21મી એપ્રિલે થનારી શ્રીરામનવમીની ઉજવણી થવાની છે. શ્રીરામનવમી નિમિત્તે મંદિરમાં દર્શન, ભજન, કીર્તન અને પાઠપૂજા પણ કરી નહીં શકાય, ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી નહીં શકાય, મંદિરના વહીવટકર્તાઓ ભક્તોને દર્શન માટે ઓનલાઇન, કેબલ નેટવર્ક, વેબસાઇટ કે ફેસબુક દ્વારા વ્યવસ્થા કરી શકશે.
મહારાષ્ટ્રમાં મહાવીર જયંતી 25મી એપ્રિલે અને હનુમાન જયંતી 27મી એપ્રિલે ઊજવાશે.
મહારાષ્ટ્ર સરકારે મહાવીર જયંતીની ઉજવણી ભાવિકોને પોતાના ઘરે જ કરવાની સૂચના આપી છે. કોરોનાને નિવારવા લોકોને તેની ઉજવણીમાં એકઠા નહીં થવાનું કહેવામાં આવ્યું છે. મહાવીર જયંતી નિમિત્તે પ્રભાત ફેરી કે સરઘસ કાઢી શકાશે નહીં. કોરોનાને કારણે દેરાસરો સહિત બધા ધર્મસ્થાનો બંધ હોવાથી તેમાં પૂજાપાઠ કે દર્શન કરી શકાશે નહીં. ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજી નહીં શકાય. આમ છતાં દેરાસરના વહીવટકર્તાઓ પોતાની અનુકૂળતા મુજબ ભાવિકો માટે અૉનલાઇન, કેબલ નેટવર્ક, વેબસાઇટ કે ફેસબુક દ્વારા દર્શનની વ્યવસ્થા કરી શકે છે.
હનુમાન જયંતી નિમિત્તે મંદિરમાં દર્શન, પૂજાપાઠ કે ધાર્મિક કાર્યક્રમો યોજી નહીં શકાય.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer