રેમડેસિવિરની ફાળવણીમાં પક્ષપાત : ફડણવીસ

અમારા પ્રતિનિધિ તરફથી 
નાગપુર, તા. 20 : રેમડેસિવિર ઈન્જેકશનની ખેંચ વિશે પત્રકારો સાથે વાત કરતા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેકશનની ફાળવણી પક્ષપાતના ધોરણે થઈ રહી છે અને જે જિલ્લામાં આ ઈન્જેકશનની તાકીદે જરૂર છે એને 
આ ઈન્જેકશન પુરતા પ્રમાણમાં મળતાં નથી. 
મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બૅન્ચે સોમવારે રેમડેસિવિર ઈન્જેકશન વિશે આપેલા ચુકાદાનું તેમણે સ્વાગત કર્યું હતું. હાઈ કોર્ટે નાગપુર જિલ્લાને તત્કાળ રેમડેસિવિર ઈન્જેકશનના 10,000 ડોઝ આપવાનો મહારાષ્ટ્ર સરકારને હુકમ કર્યો હતો. 
રાજ્યના જિલ્લાઓને રેમડેસિવિર ઈન્જેકશનની ફાળવણીમાં પક્ષપાત કરવા બદલ બૅન્ચે મહારાષ્ટ્ર સરકારનો પણ ઉધડો લીધો હતો. 
બૅન્ચે કહ્યું હતું કે થાણેમાં 2000 જેટલા બૅડ છે છતાં થાણેને 5000 રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવ્યા છે જ્યારે નાગપુરમાં 8000થી વધુ ખાટલા છે છતાં નાગપુર જિલ્લાને 3000 રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવ્યા છે. આ ફાળવણી કયા આધારે કરાઈ એ સમજાતું નથી.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer