બ્રુક ફાર્માના ડિરેક્ટરના દાવાની પોલીસ ચકાસણી કરી રહી છે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : રેમડેસિવિર ઈન્જેકશનનો સંગ્રહ કરવાની શંકાના આધારે મુંબઈ પોલીસે દમણની એક્સપોર્ટર કંપની બ્રુક ફાર્માના ડિરેક્ટર રાજેશ ડોકણીયાની શનિવારે પૂછપરછ કરી હતી. પોલીસે કહ્યું હતું કે પૂછપરછમાં રાજેશ ડોકણીયાએ મુંબઈમાં રેમડેસિવિરનો સંગ્રહ કર્યો હોવાનો ઈનકાર કર્યો અને કહ્યું હતું કે મેં આ જથ્થો મારા દમણના ગોડાઉનમાં શિફ્ટ કર્યો છે. 
કોરોનાના ગંભીર પેશન્ટોને રેમડેસિવિરના ઈન્જેકશન આપવામાં આવે છે અને આ ઈન્જેકશનની ડિમાન્ડ દેશમાં અચાનક વધી જતાં કેન્દ્ર સરકારે એના એક્સપોર્ટ પર હંગામી બૅન મૂકી દીધો છે. 
ઈન્જેકશનના એક્સપોર્ટ પર બૅન હોવા છતાં રાજેશ ડોકણીયા એર કાર્ગો મારફતે 60 હજાર વાયલ્સ વિદેશ મોકલવાના છે એવી માહિતીના આધારે પોલીસે તેમની પૂછપરછ કરી હતી. 
બીકેસી પોલીસ સ્ટેશનમાં ચાલેલી પૂછપરછમાં પોલીસે ઈન્જેકશનનો આ જથ્થો ક્યાં છે એની માહિતી રાજેશ ડોકણીયા પાસેથી માગી હતી. રાજેશ ડોકણીયાએ જવાબમાં કહ્યું હતું કે સરકારના બૅનને પગલે આ જથ્થો દમણના ગોડાઉનમાં શિફ્ટ કરાયો છે. 
તેમણે આપેલી માહિતીની પોલીસ ચોક્કસાઈ કરી રહી છે. પૂછપરછ બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા અને જરૂર પડે ત્યારે હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer