અૉક્સિજનની અછત નથી, તાંત્રિક ખામી છે : પાલિકા

મુંબઈ, તા 20 : ગયા અઠવાડિયે અૉક્સિજનની અછતને કારણ પાલિકાની છ હોસ્પિટલમાંથી દરદીઓને અન્યત્ર ખસેડાયા હોવાની બુમરાણ મચી હતી. જોકે પાલિકાના એડિશન કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે દરદીઓને અૉક્સિજનની અછતને કારણે નહીં પણ તાંત્રિક ખામી સર્જાતા ખસેડવા પડયા હતા. આમ છતાં પાલિકાના અધિકારીનું કહેવું છે કે કોવિડ-19ના ગંભીર દરદીઓને લિક્વિડ મેડિકલ અૉક્સિજન (એલએમઓ)નો પુરવઠો સતત મળતો રહે એ માટે પાલિકા અન્ય સપ્લાયરોને અૉક્સિજનનો પુરવઠો પૂરો પાડવા જણાવશે. શહેરના 2762 આઈસીયુ બેડમાંથી 43 અને 1410 વેન્ટિલેટર બેડમાંથી 20ને અૉક્સિજન સપ્લાય થતો ન હોવાથી તેમને જમ્બો કોવિડ ફેસિલિટી અને રાજાવાડી ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મુંબઈમાં રોજની અૉક્સિજનની જરૂરિયાત 235 મેટ્રિક ટનની છે, જે બે સપ્લાયર દ્વારા પૂરી પડાય છે. હાલની પરિસ્થિતિમાં અૉક્સિજનની અછત ન સર્જાય એ માટે એકાદ-બે દિવસમાં ઓર એક સપ્લાયરની નિયુક્તિ પાલિકા દ્વારા કરવામાં આવશે.
હકીકતમાં અૉક્સિજનની અછત નહોતી પણ ખાલી થયેલા સિલિન્ડર સમયસર રીફિલિંગ થઈ શક્યા નહોતા. અમારા ધ્યાનમાં આવ્યુ ંકે સિલિન્ડર આધારિત સિસ્ટમ પૂર્ણપણે કામ કરતી નહોતી, એમ કાકાણીએ જણાવ્યું. એ સાથે તેમણે ઉમેર્યું કે તકલીફ અૉક્સિજનની અછતને કારણે સર્જાઈ નહોતી. અૉક્સિજન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સર્જાયેલી તાંત્રિક ખામીને કારણે મુસીબત સર્જાઈ હતી. ફેબ્રુઆરીની મધ્યમાં કોવિડના કેસ વધવાની શરૂઆત થયા બાદ અૉક્સિજનની માગમાં લગભગ વીસેક ટકાનો વધારો થયો હોવાનું અધિકૃત આંકડાઓ દર્શાવે છે.
મુંબઈ મહાપાલિકા સિલિન્ડરમાં ઉપલબ્ધ અૉક્સિજનનો ઉપયોગ કરે છે જે ખાલી થતાં મેગા પ્લાન્ટમાં રીફિલ કરવામાં આવે છે. હાલ પાલિકા પોતાનો અૉક્સિજન પ્લાન્ટ આર્થિક દૃષ્ટીએ પરવડી શકે એમ છે કે નહીં એનો અભ્યાસ કરી રહી છે.
અૉક્સિજનના ઉત્પાદન માટે ચોક્કસ પ્રકારની ઇકોસિસ્ટમની જરૂર પડે છે. પ્લાન્ટ માટે વધુ પાવરની જરૂર પડે છે. મુંબઈમાં આવી જગ્યા મળવી મુશ્કેલ છે. અમે હજુ અૉક્સિજન પ્લાન્ટ સ્થાપવા અંગેની શક્યતાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જોકે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી, એમ કાકાણીએ જણાવ્યું હતું. પાલિકા એક મહિનામાં એક ડઝન અૉક્સિજન પ્લાન્ટ સ્થાપવાની યોજના વિચારી રહી છે.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer