એપરલ અને હૉમ ટેક્સ્ટાઇલ્સના નિકાસકારો લૉકડાઉનની વિરુદ્ધમાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : ચીનના ક્ષીનજીયાંગના રૂ ઉગાડતા વિસ્તારોમાં ઉઇગરોનો ફોર્સ્ડ લેબર તરીકે ઉપયોગ કરાતો હોવાથી તેમ જ યુએસએ ચીનના કોટનમાંથી બનતાં વત્રોની આયાત પર નિયંત્રણો મુક્યાં હોવાથી વૈશ્વિક ટેક્સટાઇલ બ્રાન્ડસ અને વૈશ્વિક રીટેલ ચેઇનોએ ચીનમાંથી ખરીદી બંધ કરી ભારતમાં ખરીદી વધારી છે. આથી પશ્ચિમી રાષ્ટ્રોના સારા એવા નિકાસઅૉર્ડરો ભારતને મળતા થયા છે. ખાસ કરીને યુએસમાં સ્ટીમ્યુલસ પૅકેજ પછી ત્યાં એપરલ શો રૂમોમાં રીટેલ ખરીદી સારા પ્રમાણમાં નીકળી છે. આ ઉપરાંત યુરોપમાંથી લૉકડાઉન હટવાથી ત્યાંની માગ પણ વધી છે. ખાસ કરીને નીટ્સવેર, લેઇઝરવેર, હોમ ટેક્સટાઇલ્સ, મેઇડઅપ્સ વગેરેની સારી માગ અત્રે નીકળી છે.
એપરલ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (એઈપીસી)ના ચૅરમૅન એ. શક્તિવેલએ વિવિધ કેન્દ્રીય મંત્રાલયોને અને કેટલાંક રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખી અવિરત ઉત્પાદન ચાલુ રહે તે માટે તેમના ટેકાની માગણી કરી છે. આ તબક્કે જો કોઈ ફૂલ લૉકડાઉન લાદવામાં આવશે તો છેલ્લા એક વર્ષમાં એપરલ નિકાસ ક્ષેત્રે વૈશ્વિક નક્શામાં જગ્યા મેળવવા જે ભારે મહેનત કરી છે તે વ્યર્થ જશે.
ઇન્ડિયન ટેક્સપ્રુનર્સ ફેડરેશનના કન્વીનર પ્રભુ ધમોધરને જણાવ્યું છે કે અત્યારે તમામ વિકસિત બજારો અને વૈશ્વિક બ્રાન્ડોની ખરીદી અત્રે સારી છે. યુએસમાં રીટેલ સેલ્સ ખૂબ સારું છે અને ત્યાં સ્ટોક ઓછો છે. યુકેમાં પણ લૉકડાઉન હટી જતાં ત્યાંનું રીટેલ ક્ષેત્ર ખુલ્લું થયું છે. આમ છતાં ભારતમાં વધતા કોવિડ કેસો ચિંતાનું કારણ બની રહ્યા છે. આથી રાજ્યો લૉકડાઉન લાદશે તે ચિંતા અમને સતાવી રહી છે. અત્યારે ચીનના વિકલ્પે ભારત જે મહત્ત્વનું સોર્સિંગ હબ બનતું જાય છે તેને ભારત સરકારે ટેકો આપવો જોઈએ.
ભારતમાં કાપડના ઉત્પાદન અને વેપારમાં પ્રથમ નંબરે સુરત, બીજા નંબરે અમદાવાદ અને ત્રીજા નંબરે મુંબઈ ગણાય છે. ગુજરાત સરકાર લૉકડાઉનની તરફેણમાં નથી. આથી ફેડરેશન અૉફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ ઍસોસિયેશન (ફોસ્ટા)ના અધ્યક્ષ મનોજ અગ્રવાલે ગુજરાતના મુખ્ય પ્રધાનને લખી જણાવ્યું છે કે સુરતમાં કોરોના વકરવાથી એક સપ્તાહ માટે સંપૂર્ણ સુરત શહેરમાં લૉકડાઉન લાગુ પાડવું જોઈએ કે જેથી કોરોના વાયરસની ચેન તોડવામાં મદદ મળશે. ફોસ્ટા દ્વારા ગત શનિવાર અને રવિવારે કાપડ બજારો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યાં હતાં.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer