એકબાજુ અછત અને બીજીબાજુ લાખો રસીનો વેડફાટ

દેશમાં કુલ 44.78 લાખ ડૉઝ બરબાદ થઈ ગયા : આરટીઆઈમાં ખુલાસો : દિલ્હી હાઈ કોર્ટનો સવાલ, એકપણ ડૉઝ બગડે જ શા માટે?
નવી દિલ્હી, તા.20: એકબાજુ દેશમાં રસીની અછતની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે બીજીબાજુ જાણવા મળી રહ્યું છે કે, 11 એપ્રિલ સુધીમાં રાજ્યો દ્વારા વપરાશમાં લેવામાં આવેલાં કુલ 10.34 કરોડ ડોઝમાંથી 44.78 લાખ ડોઝ બરબાદ થઈ ગયા છે. આ દરમિયાન દિલ્હી હાઈ કોર્ટે પણ દેશમાં રસીનાં આટલા મોટા બગાડ સામે ઘેરી ચિંતા દર્શાવીને સરકારને સવાલ કર્યો હતો કે રસીનો એક ડોઝ પણ વ્યર્થ શા માટે જાય?
દેશમાં રસીકરણ વિશે આરટીઆઈ દ્વારા મેળવવામાં આવેલી જાણકારીમાં ઘટસ્ફોટ થયો છે કે, દેશમાં સૌથી વધુ રાજસ્થાનમાં રસીનાં 6.10 લાખ ડોઝનો બગાડ થયો છે. ત્યારબાદ તામિળનાડુમાં 5.04 લાખ, યુપીમાં 4.99 લાખ અને મહારાષ્ટ્રમાં 3.56 લાખ ડોઝ રસી બરબાદ થઈ છે.
જો ટકાવારી પ્રમાણે જોવામાં આવે તો તામિળનાડુને ફાળવવામાં આવેલી કુલ રસીમાંથી 12.10 ટકા, હરિયાણામાં 9.74 ટકા, પંજાબમાં 8.12 ટકા, મણિપુરમાં 7.80 ટકા, તેલંગણમાં 7.પપ ટકા રસી નકામી વેડફાઈ ગઈ છે. કેરળ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, ગોવા, દમણ-દીવ, અંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં રસીનો એકપણ ડોઝ બગડયો નથી. 
દરમિયાન આજે કોરોના સંબંધિત એક અરજીની સુનાવણીમાં દિલ્હી હાઈ કોર્ટે પણ રસીનાં આટલા મોટા બગાડને ધ્યાને લઈને સરકારને આકારી ભાષામાં ટકોર કરી હતી. અદાલતે કહ્યું હતું કે, એકપણ ડોઝ વ્યર્થ શા માટે જાય? કેમ આપણે તેનો યોગ્ય ઉપયોગ ન કરી શકીએ? જે કોઈપણ લોકો રસી લેવા ઈચ્છે છે તેમને આપી દેવી જોઈએ. જે રસીની બુંદથી લોકોનાં જીવ બચી શકે તેમ છે એ વેડફાઈ રહ્યા છે. 
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer