ઉત્તર પ્રદેશનાં પાંચ શહેરોમાં લૉકડાઉન માટે હાઈ કોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટની રોક

નવીદિલ્હી, તા.20 : ઉત્તરપ્રદેશમાં વકરેલી કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલા પાંચ જિલ્લામાં લોકડાઉનનાં આદેશને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનુસરવાનો ઈનકાર કરી દીધા બાદ આજે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટનાં લોકડાઉનનાં આદેશ ઉપર રોક લગાવી દીધી હતી. દરમિયાન કોરોના સંક્રમણ અને સ્વાસ્થ્ય સુવિધાઓની અછત વચ્ચે સ્થિતિને કાબૂમાં રાખવા માટે યોગી આદિત્યનાથે આજથી સમગ્ર રાજ્યમાં રાત્રી કર્ફ્યૂનો નિર્ણય લીધો હતો. આટલું જ નહીં પણ શનિ-રવિવારે લોકડાઉનની પણ ઘોષણા કરવામાં આવી છે. 
ઉલ્લેખનીય છે કે યુપીમાં અત્યાર સુધી રાત્રી કર્ફ્યૂ માત્ર એવા જિલ્લાઓમાં જ અમલી હતો જ્યાં હાલત ખરાબ હતી. જો કે હવે નવા સંક્રમણની વધતી સંખ્યાને ધ્યાને રાખતાં હાઈકોર્ટે લીધેલા ઉધડા પછી યોગીએ આખા રાજ્યમાં તેનો અમલ કરવાનો નિર્ણય પોતાની ઉચ્ચ સ્તરીય ટીમ સાથે પરામર્શ પછી લીધો છે. આ ઉપરાંત શુક્રવારે રાત્રે આઠ વાગ્યાથી સોમવારે સવારે સાત વાગ્યા સુધી લોકડાઉન પણ લાગુ કરવાનો ફેંસલો તેમણે કર્યો હતો.
હાઈકોર્ટ તરફથી યુપીનાં પાંચ જિલ્લામાં લોકડાઉનનાં આદેશ ઉપર રોક લગાવતા સુપ્રીમ કોર્ટે આજે પ્રદેશની સરકારને એક સપ્તાહની ભીતર મહામારીને અંકુશમાં લેવા માટે ભરવામાં આવેલા પગલા અને કરવામાં આવેલા ઉપાયોની જાણકારી આપવા માટે પણ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે લોકડાઉનનો આદેશ આપ્યા બાદ તેની સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. જેમાં આજે સુપ્રીમ કોર્ટે લોકડાઉનનાં આદેશ સામે સ્ટે આપી દીધો હતો.

Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer