કરિયાણા સહિત જીવનાવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સવારે ચાર કલાક જ ખુલ્લી રહેશે

જોકે હૉમ ડિલિવરી રાત્રે આઠ વાગ્યા સુધી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્ર સરકારે કોરોનાને કાબૂમાં લેવાના પ્રયાસોના ભાગરૂપે આજે વધુ આકરા નિયમો બહાર પાડયા છે. તે અનુસાર કરિયાણા અને ખાદ્યપદાર્થોની દુકાનો હવે સવારે સાતથી 11 વાગ્યા સુધી ચાર કલાક જ ખુલ્લી રહી શકશે. આ નિયમનો અમલ આવતી કાલે રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે અને તે પહેલી મેએ સવારે સાત વાગ્યા સુધી અમલમાં રહેશે.
મહારાષ્ટ્રના આફત વ્યવસ્થાપન, રાહત અને પુનર્વસન ખાતા દ્વારા આજે બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કરિયાણાની દુકાનો, ફળ-શાકભાજીનું વેચાણ, ડેરી, બેકરી-કન્ફેકશનરીની દુકાનો, બધા પ્રકારના ખાદ્યપદાર્થોની દુકાનો (ચિકન, માંસ, માછલી, ઇંડાં અને પોલ્ટ્રી સહિત) પેટ ફૂડ શોપ, કૃષિ સંબંધી અને ફાર્મનાં ઉત્પાદનોની દુકાનો તેમ જ ચોમાસા સંબંધી સામગ્રીની દુકાનો સવારે સાતથી સવારે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. આમ છતાં આ દુકાનો સવારે સાતથી રાત્રે આઠ વાગ્યા સુધી હૉમ ડિલિવરી કરી શકશે. સ્થાનિક સત્તાવાળાઓ હૉમ ડિલિવરીનો સમય બદલી શકશે. સ્થાનિક ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અૉથોરિટીસ, રાજ્ય ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અૉથોરિટીની પરવાનગીથી ગત 13મી એપ્રિલે આવશ્યક સેવા કે સંસ્થાની યાદીમાં ફેરફાર કરી શકશે.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer