લોકોના સહકારથી જ જંગ જીતાશે...

  • કુન્દન વ્યાસ
મહારાષ્ટ્રમાં સખત લૉકડાઉન અનિવાર્ય હોવાનું સૌ સ્વીકારી રહ્યા છે. વ્યાપારીઓથી લઈને રાજકીય પક્ષો તો ઠીક આમઆદમી પણ હવે માને છે કે સખત ઘરબંધી સિવાય છૂટકો નથી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજ્યભરમાં ભારે સખત લૉકડાઉન જાહેર કરે, જિલ્લાબંધી - લોકોના પ્રવાસની મનાઈ ફરમાવે અને લોકલ ટ્રેન પણ બંધ કરવી પડે તો વિવાદ - વિખવાદ વિના સૌ સ્વીકારી લેશે એવું વાતાવરણ છે. અત્યારે તો જાન બચે તો લાખો પાયે - જેવા હાલ અને હાલત છે - આ મહિનાની આખર સુધી આવી તાળાબંધી અમલમાં હશે. દિલ્હીના લૉકડાઉનની અસરનો અભ્યાસ કરીને મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે. આ પછી ગુજરાત અને અન્ય રાજ્યો પણ પરિસ્થિતિ મુજબ નિર્ણય લેશે.
સંપૂર્ણ લૉકડાઉન બાબત રાજ્યના પ્રધાનમંડળમાં સર્વસંમતિ છે અને મુખ્ય પ્રધાન નવી નિયમાવલી સાથે લૉકડાઉનની ઘોષણા કરનાર છે. નિયંત્રણો સાથે જ આગામી પંદર દિવસ - જે કટોકટીના હશે -માં વૅક્સિન, રેમડેસિવિર અને દરેક જિલ્લામાં અૉક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે શરૂ કરાશે.
હવે જનતાએ - ભય નહીં - દૃઢ નિરધારથી સહકાર આપવો જોઈએ - આપશે જ એવો વિશ્વાસ રાખીને કોરોનાને મારી હઠાવીએ.
કોરોના સામેના જંગમાં ભારતીય સેના સેવા આપી રહી છે અને વાયુદળ પણ `સ્ટેન્ડ બાય' - તૈયાર છે. રેલવે દ્વારા સંરક્ષણ વાહનો અને સરંજામની હેરફેર માટે અલગ વેગનોમાંથી અૉક્સિજન પહોંચાડવા માટે 32 વેગનો ફાળવાયા છે - જે દ્વારા અૉક્સિજન ભરેલા ટ્રકોનો કાફલો વિશાખાપટ્ટનમ પહોંચાડાયો છે. કામચલાઉ સારવાર કેન્દ્રો શરૂ કરવા માટે તથા જરૂરી સાધનસામગ્રીની હેરફેરથી લઈને મેડિકલ સ્ટાફની સેવા અપાઈ રહી છે.
સંરક્ષણપ્રધાને સશત્રદળોના વડાઓને અનુરોધ કર્યો છે કે મુખ્ય પ્રધાનોને મળીને એમની જરૂરિયાતોમાં સહયોગ આપવો.
ચીન-પાકિસ્તાન સરહદે સૈનિકો માટે અૉક્સિજનની જે વ્યવસ્થા હોય છે તે ટેક્નૉલૉજી મુજબ અૉક્સિજન ડિલિવરી સિસ્ટમ - કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે.
કેન્દ્ર સરકારે વૅક્સિન અંગે મહત્ત્વની છૂટછાટો જાહેર કરી છે, પણ વૅક્સિનનો પુરવઠો જુલાઈ મહિનામાં વધવાની ધારણા છે. નીતિ આયોગના અધ્યક્ષ ડૉ. વિનોદ પૌલ કહે છે કે વિદેશી વૅક્સિનની આયાત-છૂટ ઉપરાંત કોવિશિલ્ડ અને કોવૅક્સિનનું ઉત્પાદન પણ વધારવામાં આવી રહ્યું છે. આ બંને કંપનીઓને ત્રણ હજાર કરોડ અને પંદરસો કરોડ એડવાન્સમાં અપાશે. ફાઇઝર, મોડર્ના અને જૉન્સન ઍન્ડ જૉન્સન ઉપરાંત રશિયન સ્પુતનિક-વી વૅક્સિન આગામી મે મહિનાથી મળવી શરૂ થાય એવી શક્યતા છે.
વયમર્યાદાની છૂટછાટ અપાઈ હોવાથી હવે ધસારો થશે ત્યારે અંધાધૂંધી થાય નહીં તે જોવાની જવાબદારી રાજ્યોની હશે અને તબક્કાવાર વયગ્રુપ રાખવા અંગેનો નિર્ણય રાજ્યોએ લેવાનો રહેશે. `ઓપન માર્કેટ' માટે રાજ્યોને પચાસ ટકા સ્ટૉક મળશે અને ખાનગી હૉસ્પિટલોને રાજ્ય સરકારો આપશે.
વિદેશી વૅક્સિન પહેલાં જે એકસો લોકોને અપાશે તેમને કોઈ આડઅસર થઈ નથી તેની ખાતરી થયા પછી અન્ય લોકોને અપાશે - સ્વદેશી બંને વૅક્સિનો પણ પચાસ ટકા ઓપન માર્કેટમાં હશે.
વૅક્સિન કરતાં અત્યારે તાત્કાલિક જરૂર અૉક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની છે. મુકેશ અંબાણીની જેમ રતન તાતાએ પણ 300 ટન આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર પાસે અત્યારે 1550 ટનની જોગવાઈ છે 300 ટન કેન્દ્ર સરકાર આપે છે અને યુદ્ધનાં ધોરણે નવા પ્લાન્ટ નખાઈ રહ્યા છે.
આ તમામ પગલાં ઉપરાંત લોકોની સમજદારી અને સહકારથી જ જંગ જીતી શકાશે.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer