રાજ્યમાં કોરોનાના નવા 62,097 કેસ મળ્યા

રાજ્યમાં કોરોનાના નવા 62,097 કેસ મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી કોરોનાના 62,097 નવા કેસ મળ્યા હતા. સોમવારે રાજ્યમાંથી 58,924 અને રવિવારે 68,631 નવા કેસ મળેલા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 39,60,359ની થઈ ગઈ છે. રાજ્યમાં 6,8,856 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 519 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યાંક 61,343નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.55 ટકા છે. 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54,224 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 32,13,464 દરદી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 81.14 ટકા છે. 
અત્યારે રાજ્યમાં 38,76,998 દરદી હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 27,690 દરદી સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
મહારાષ્ટ્રમાં સૌથી વધુ સક્રિય પેશન્ટ્સ પુણે જિલ્લામાં છે. ત્યાં અત્યારે 1,17,521 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. એ પછી મુંબઈ (82,671)નો ક્રમ આવે છે. થાણેમાં 80,440 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછા સક્રિય પેશન્ટો એટલે કે 1074 દરદી બુલઢાણા જિલ્લામાં છે. 
અત્યાર સુધી રાજ્યમાં કુલ 2,43,41,736 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 39,01,359 (16.27 ટકા) ટેસ્ટ પોઝિટિવ આવી છે. 
પુણે જિલ્લા પરિષદના કર્મચારીઓએ ગ્રામીણ વિસ્તારની સ્વાસ્થ્ય સેવા સુધારવા 1.97 કરોડ ઊભા કરવા પોતાના એક દિવસનો પગારનો ફાળો નોંધાવ્યો છે. કોરોનાના દરદીની સારવાર કરી રહેલા ડૉક્ટરોને આ રકમમાંથી પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.
નાગપુરમાં 6890 નવા કેસ 
મંગળવારે  નાગપુર જિલ્લામાંથી કોરોનાના 6890 નવા કેસ મળ્યા હતા. આ જિલ્લાનો અત્યાર સુધીનો ઉચ્ચાંક છે. નાગપુરમાં અત્યાર સુધી મળેલા કેસોની કુલ સંખ્યા 3,36,360ની થઈ ગઈ છે. અત્યારે જિલ્લામાં 71,692 દરદી સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી 2,58,191 દરદી સાજા થયા છે. મંગળવારે જિલ્લામાં 91 દરદીનાં મૃત્યુ થયાં હતાં અને એ સાથે મરણાંક 6477 પર પહોંચી ગયો છે. મંગળવારે 5504 દરદી સાજા થયા હતા.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer