100 કરોડ વસૂલી પ્રકરણમાં ગુનો દાખલ થવાની શક્યતા

100 કરોડ વસૂલી પ્રકરણમાં ગુનો દાખલ થવાની શક્યતા
મુંબઈ, તા. 20 : સો કરોડ વસૂલી પ્રકરણમાં મુંબઈ હાઈ કોર્ટના આદેશ પછી સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી અને તે તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી હોઇ ટૂંકમાં ગુનો નોંધાવાની શક્યતા છે. આ પ્રકરણે ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને રાષ્ટ્રવાદી નેતા અનિલ દેશમુખની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેમની મુશ્કેલીમાં વધારા થવાના ભણકારા વાગી રહ્યા છે.
મળતી માહિતી મુજબ સીબીઆઈએ અનિલ દેશમુખ સહિત કુલ સાત જણના નિવેદન નોંધ્યાં છે. આ નિવેદનમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે અને આ ખુલાસાની તપાસ તેમ જ વિવિધ સાંયોગિક પુરાવાઓ એકઠા કરીને 100 કરોડ વસૂલી પ્રકરણમાં ગુનો નોંધવાની હિલચાલ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે.
મળતી વધુ માહિતી જણાવે છે કે 100 કરોડ વસૂલી પ્રકરણમાં સીબીઆઈએ જેઓનાં નિવેદન નોંધ્યાં છે, તે પૈકી કેટલીક વ્યક્તિએ 100 કરોડ વસૂલી પ્રકરણમાં સીધી અને સવિસ્તાર માહિતી સીબીઆઈને આપી છે. તેઓની માહિતીની ચોક્કસાઈ કરવા માટે સીબીઆઈએ એક ટુકડીની નિમણૂક કર્યાનું પણ જાણવા મળે છે. જો સીબીઆઈને દેશમુખની સંડોવણીના સીધા અને નક્કર પુરાવા મળ્યા તો વસૂલી પ્રકરણમાં ફક્ત ગુનો જ નોંધવામાં નહીં આવે પણ તેમાં ધરપકડ થવાની શક્યતા પણ નિર્માણ થઈ છે.
મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહે - અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલીના આક્ષેપ કર્યા હતા. આ સંદર્ભમાં પરમબીર સિંહનું સવિસ્તાર નિવેદન નોંધ્યું છે. નિવેદનના આધારે આ પ્રકરણમાં ચોંકાવનારી માહિતી અને કેટલાક નક્કર પુરાવા પણ સીબીઆઈને હાથ લાગ્યાનું કહેવાય છે. અનિલ દેશમુખના બે અંગત મદદનીશ (પીએ)ના નિવેદન પણ ચકાસણી હેઠળ છે અને આવશ્યકતા પડી તો દેશમુખ સહિત ત્રણને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer