હૉસ્પિટલ બહાર કતાર કેમ છે ?

હૉસ્પિટલ બહાર કતાર કેમ છે ?
ગુજરાત હાઇ કોર્ટે ફરી રાજ્ય સરકારનો ઉધડો લીધો
અમદાવાદ, તા. 20: રાજ્યમાં કોરોના વાયરસનાં આંકડામાં બેફામ વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવીર, બેડ જેવી અનેક સુવિધાઓ માટે સામાન્ય લોકોને વલખાં મારતા જોઇને ગુજરાત હાઈકોર્ટે  રાજ્ય સરકારની આજે ફરી એક વાર ઝાટકણી કાઢી હતી. આ અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં 82 પાનાનું સોગંદનામું રજૂ કર્યું હતું. રૂપાણી સરકાર દ્વારા રજૂ કરાયેલા આ સોગંદનામામાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો કર્યો છે. આજે આ સોગંદનામાને ધ્યાનમાં લેતા હાઇકોર્ટે ટકોર કરી હતી કે 108 સિવાય આવતા દર્દીઓને કેમ દાખલ કરવામાં આવતા નથી? આ ઉપરાંત ઓક્સિજનની જરૂરિયાતો કેટલી છે તેની સપ્લાય કેટલી છે? દર્દીને દાખલ થવા માટે વેઇટિંગ પિરિયડ વગેરે મુદ્દે કોર્ટે કેટલાક સવાલો કર્યા છે. વધુમાં હાઇકોર્ટે 26 એપ્રિલ સાંજ સુધીમાં એફિડેવિટ રજૂ કરવા પણ કહ્યું છે. આ અંગે 27 એપ્રિલે વધુ સુનાવણી કરવામાં આવશે. 
હાઇકોર્ટે અવલોકન કર્યુ હતુ કે ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વે બેઝ પર દર્દીને દાખલ કરાય છે, જેનાથી ગંભીર દર્દીઓ વેઈટિંગમાં રહે છે, ખાનગી અને ડેઝિગ્રેટેડ હોસ્પિટલ દર્દીને દાખલ નથી કરતી, પહેલા ઝોન વાઈઝ 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવી હતી, હવે સેન્ટ્રલ લાઈઝ 108 કરવાથી દર્દીઓને હાલાકી પડે છે, ગુજરાતની તમામ હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ, આઇસીયુ અને વેન્ટિલેટર માટે 3થી 5 દિવસનું વેઈટિંગ ચાલે છે.  
આ અવલોકનના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે અમે 1100 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ, આવતા એક અઠવાડિયામાં 5 પ્લાન્ટ કાર્યરત થશે, સરકાર રોજના 20 હજાર વાયલ ઈન્જેક્શન આપી રહી છે. જોકે સરકારે કોર્ટ સમક્ષ મેનપાવરની અછત હોવાની વાત સ્વીકારતા 108ની વ્યવસ્થા હવે સેન્ટ્રલાઇઝ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તદુપરાંત લેબોરેટરીમાં પણ ઘણા ઓછા સ્ટાફમાં કામગીરી થાય છે.  
આજે રાજ્ય સરકારે કરેલી કબૂલાત મુજબ અમરેલી, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડ જિલ્લાની કોવિડ હોસ્પિટલોના તમામ એટલે કે, 100% બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. જ્યારે બોટાદ, જામનગર અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં અનુક્રમે 95, 99 અને 97% બેડ પર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આમ પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.   સોગંદનામામાં સરકારે જણાવ્યું કે, આરટીપીસીઆર ટેસ્ટ, રેમડેસિવિર ઈન્જેકશન, ઓક્સિજન, હોસ્પિટલ બેડ વ્યવસ્થા અને ડેશબોર્ડ પર પારદર્શક માહિતીની વ્યવસ્થા કરેલ છે. 30 એપ્રિલ સુધીમાં 1 લાખ બેડ ઉપલબ્ધ કરાવશે. સાથે જ રાજ્યમાં હાલ 79,444 કોવિડ દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કર્યો છે. કોરોનાની સ્થિતિ માટે ડેશ બોર્ડ ઉભું કર્યું જેમાં એક્ટિવ કેસ, મૃત્યુઆંક, રિકવર દર્દીઓના આંકડા આપવામાં આવ્યા છે. 
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer