મહારાષ્ટ્રમાં આજથી સંપૂર્ણ લૉકડાઉન?

મહારાષ્ટ્રમાં આજથી સંપૂર્ણ લૉકડાઉન?
એસએસસીની પરીક્ષા રદ
મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : કોરોનાનો ઉપદ્રવ હજી અંકુશમાં આવ્યો નહીં હોવાથી મહારાષ્ટ્રના પ્રધાનમંડળે આજે આકરા લૉકડાઉનની ભલામણ કરી છે. તેના પગલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બુધવારે કોરોનાના મુકાબલા માટે વધુ આકરા લૉકડાઉનની જાહેરાત કરે એવી ધારણા છે. મહારાષ્ટ્ર સરકારે દસમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર આખરી વિકલ્પરૂપે જ લોકડાઉનના અમલની હિમાયત કરી હોવાથી ઉદ્ધવ ઠાકરે આજે કેવો અભિગમ અપનાવશે તે હવે જોવું રહ્યું.
મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ પ્રધાનમંડળની બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે દસમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય પ્રધાનમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. પાવર પ્લાંટ દ્વારા પેદા થતાં અૉક્સિજનના ઉપયોગ અને અૉક્સિજનની ઉપલબ્ધતા વધારવા પગલાં લેવાની મંજૂરી પણ પ્રધાનમંડળે આપી છે. બધા કેબિનેટ પ્રધાનોએ કોરોનાનો ફેલાતો રોકવા માટે વધુ આકરા લૉકડાઉન લાદવાની ભલામણ કરી છે. પ્રધાનો રાજ્યના વિવિધ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ભલામણ બતાવે છે કે આખા રાજ્યમાં કોરોનાને અંકુશમાં લેવાની જરૂર છે. હાલ જે 1500 ટન અૉક્સિજન પ્રાપ્ત થાય છે તેના વડે કામ ચલાવીએ છીએ. રાજ્યને અન્ય રાજ્યો પાસેથી વધુ 300 ટન અૉક્સિજન લેવાની પરવાનગી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર વધુ 300 ટન અૉક્સિજનની ફાળવણી કરશે. આમ છતાં મહારાષ્ટ્રને 2000 ટન કરતાં વધારે અૉક્સિજન મળી શકે એમ નથી. તેના કારણે અૉક્સિજનનું જનરેટર વાપરવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી. અૉક્સિજન જનરેટર ખરીદવા માટે બે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અમે જિલ્લા કલેક્ટરોને આ દરને બેઝ રેટ ગણીને પરચેઝ અૉર્ડર ઇસ્યુ કરવાની સૂચના આપી છે. પ્રત્યેક જિલ્લા પાસે આ પ્રકારનો પ્લોટ હોવો જોઈએ.
મહારાષ્ટ્રના છ થર્મલ પ્લાંટ પણ અૉક્સિજન પેદા કરે છે પણ તેની હેરફેર માટે લિક્વિફાઇડ કરવાની જરૂર પડે. આ પ્લાંટમાં હવે ડેડીકેટેડ બોટલિંગ પ્લાંટ હશે. તેઓ આસપાસની હૉસ્પિટલોને અૉક્સિજન પૂરો પાડશે. કેબિનેટએ બધા 36 જિલ્લા માટે 200 અૉક્સિજન કૉન્સટ્રેટર મશીન ખરીદવાનો નિર્ણય લીધો છે. એપ્રિલ માસના અંતમાં યોજાનારી દસમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે બારમા ધોરણની પરીક્ષા યોજાશે, એમ ટોપેએ ઉમેર્યું હતું.
જાહેર બાંધકામ ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે અૉક્સિજનની ઝડપી હેરફેર માટે તેની ટૅન્કરોને ઍમ્બ્યુલન્સનો દરજ્જો આપવામાં આવશે.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer