માત્ર આખરી વિકલ્પરૂપે જ લૉકડાઉનનો અમલ : વડા પ્રધાન

માત્ર આખરી વિકલ્પરૂપે જ લૉકડાઉનનો અમલ : વડા પ્રધાન
લોકોના જીવ બચાવવા સાથે અર્થતંત્રની હાલત સુધારવા પર મૂક્યો ભાર : અૉક્સિજનનો પુરવઠો વધારવા સતત પ્રયાસ
નવી દિલ્હી, તા.20:  કોરોનાની અત્યંત કપરી પ્રવર્તમાન સ્થિતી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે દેશને સંબોધી સ્વાસ્થ્યકર્મીઓ, પોલીસ, સફાઈ કામદારો સહિત કોરોના વોરિયર્સને બિરદાવતાં અપીલ કરી કે સહયારા પ્રયાસોથી દેશને લોકડાઉનથી બચાવવાનો છે. અગાઉ કરતાં પરિસ્થિતી જુદી છે અને દેશમાં ફરી સંપુર્ણ લોકડાઉન નહીં લગાવાય. રાજ્યો પણ લોકડાઉનને છેલ્લા વિકલ્પ તરીકે માને. 
જીવ બચાવવાનો છે અને જીવિકા પણ તેવા હેતુ સાથે વડાપ્રધાને કહ્યુ કે દેશમાં કોરોનાની બીજી લહેર તોફાન બનીને ત્રાટકી છે. દેશ ફરી એકવાર મોટી લડાઈ લડી રહ્યો છે. તમારા દુ:ખનો મને અહેસાસ છે. મુશ્કેલ સમયમાં ધીરજ રાખવાની છે. આપણે ઉત્સાહ અને તૈયારીઓથી લડાઈ જીતીશું. જે પગલાંઓ ઉઠાવાયા છે તેનાથી સ્થિતીને સુધારીશું. દેશમાં જાગૃતતાથી લોકડાઉનથી બચવામાં મદદ મળશે. દેશમાં ઓક્સિજનની માગ ખૂબ વધી છે. જરૂરિયાતમંદ દરેકને ઓક્સિજન મળી રહે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. રાજ્યોમાં નવા પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. દવા કંપનીઓએ દવાનું ઉત્પાદન વધાર્યુ છે. દુનિયાની સૌથી સસ્તી વેક્સિન ભારતમાં ઉપલબ્ધ છે અને 1 મેથી ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉપરના દરેકનું રસીકરણ કરાશે. જે જ્યાં છે ત્યાં જ રહે. દરેકને વેક્સિન લગાવાશે. કામ પણ કરતાં રહો અને વેક્સિનેશન પણ થતું રહેશે. અમારો પ્રયાસ જીવ બચાવવાનો છે અને વેક્સિનેશન ઝડપી બનાવાશે.
વડાપ્રધાને બાળકોને બાળ મિત્રો તરીકે સંબોધી કહ્યુ કે એવો માહોલ બનાવો કે કામ વિના તથા વિના કારણ કોઈ ઘરની બહાર ન નિકળે. દેશને લોકડાઉનથી બચાવવાનો છે. સંબોધનમાં વડાપ્રધાને લોકોના જીવ બચાવવા સાથે અર્થતંત્રની હાલત સુધારવા પર ભાર મૂક્યો હતો.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે યુવાનોએ પોતાના વિસ્તારમાં સમિતિઓ રચીને કોરોના વિરુદ્ધની લડાઈમાં સત્તાવાળાઓને મદદ કરવી જોઈએ. જો આ કામમાં સત્તાવાળાઓને યુવાનોની સમિતિઓ મદદ કરે તો દેશમાં લૉકડાઉન અને કન્ટેનમેન્ટની જરૂર નહીં રહે. રાજ્યોએ સ્થળાંતરિત કામદારોને કહેવું જોઈએ કે તેઓને આગામી દિવસોમાં રસી આપવામાં આવશે અને તેઓની નોકરી તેમની પાસે જ રહેશે. હું રાજ્યોને વિનંતી કરું છું કે તેઓ સ્થળાંતરિત કામદારોનો વિશ્વાસ ટકાવી રાખે. જો આપણે બધા કોરોનાના પ્રતિબંધાત્મક ઉપાયોનું પાલન કરશું તો લૉકડાઉન લાદવાની જરૂર નહીં રહે. 
લોકોએ જાગૃતિ ફેલાવવી જોઈએ પણ અફવાથી દૂર રહેવું જોઈએ. આપણા વૈજ્ઞાનિકોએ ખૂબ જ ઓછા સમયમાં વિશ્વમાં સહુથી સસ્તી રસી બનાવી છે. ફાર્મસી ઉદ્યોગ પણ કોરોનાના પડકારોના મુકાબલા માટે દવાનું ઉત્પાદન વધારી અવિરત મદદ કરી રહ્યો છે એમ મોદીએ ઉમેર્યું હતું.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer