સલમાન ખાન અને યશરાજ ફિલ્મ્સ પચીસ હજાર સિનેવર્ક્સના ખાતામાં પૈસા જમા કરાવશે

સલમાન ખાન અને યશરાજ ફિલ્મ્સ પચીસ હજાર સિનેવર્ક્સના ખાતામાં પૈસા જમા કરાવશે
કોવિડ-19ની બીજી લહેરમાં ગરીબો અને રોજિંદી કમાણી કરીને નિર્વાહ કરનારાઓ ભારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. આ સમયમાં બૉલીવૂડ જરૂરિયાતમંદોની વહારે આવ્યું છે. અભિનેતા સલમાન ખાન ટૅકનિશિયન, મેકઅપ આર્ટિસ્ટ, સ્પોટબોયને આર્થિક મદદ કરી રહ્યો છે. હવે તે પચીસ હજાર સિનેવર્કર્સના ખાતામાં રોકડ જમા કરાવશે. દરેક વર્કરને પંદરસો રૂપિયા મળશે. નોંધનીય છે કે ગયા વર્ષએ સલમાને દરેક સિનેવર્કર્સના ખાતામાં ત્રણ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. 
ફૅડરેશન અૉફ વૅસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પલોઈઝ (એફડબલ્યુઆઈસીઈ)ના પ્રમુખ બી.એન.તિવારીએ કહ્યું હતું કે, અમે સલમાનને જરૂરિયાતમંદ વર્કર્સના નામની યાદી મોકલાવી છે અને તે પૈસા જમા કરાવવા તૈયાર થયો છે. આ સાથે જ પાંત્રીસ હજાર વર્કર્સની યાદી યશરાજ ફિલ્મ્સને મોકલી છે. તેઓ દરેકના ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા કરશે તથા મહિનાનું કરિયાણું આપશે. સલમાન અને યશરાજ બેનર તમામની બૅન્ક વિગતો તપાસીને પૈસા જમા કરાવશે. 
આ ઉપરાંત સલમાને પોતાની આગામી ફિલ્મ રાધે : યૉર મૉસ્ટ વૉન્ટેડ ભાઈની કમાણીનો એક હિસ્સો દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. તે અને ઝી એન્ટરટેન્મેન્ટ ગિવ ઇન્ડિયા સંસ્થાને દાન આપશે જે અૉક્સિજન સિલિન્ડર, કૉન્સન્ટ્રેટર અને વૅન્ટિલેટર માટે આ ભંડોળનો ઉપયોગ કરશે. અભિનેતાની આ ફિલ્મ 13મે રજૂ થવાની છે અને આમાં તેની સાથે દિશા પટણી, જેકી શ્રોફ અને રણદીપ હુડા છે. 
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer