નૅશનલ એવૉર્ડ વિજેતા સંગીતકાર વનરાજ ભાટિયાનું અવસાન

નૅશનલ એવૉર્ડ વિજેતા સંગીતકાર વનરાજ ભાટિયાનું અવસાન
નૅશનલ એવૉર્ડ વિજેતા 93 વર્ષના સંગીતકાર વનરાજ ભાટિયાનું અવસાન થયું છે. છેલ્લા ઘણા સમયથી વૃદ્ધાવસ્થા સબંધિત બીમારીથી પીડાતા વનરાજ ભાટિયાએ પોતાના ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. તેમની સંભાળ રાખવા એક કૅરટૅકર હતો અને છેલ્લા થોડા વર્ષોથી તેઓ આર્થિક તંગીનો સામનો કરતા હતા. તેમને ગોઠણમાં દુખાવો રહેતો હોવાથી ઊઠવા બેસવામાં તકલીફ થતી, શ્રવણશક્તિ જતી રહી હતી અને યાદશક્તિ પણ નબળી થઈ ગઈ હતી. 
1927માં મુંબઈમાં જન્મેલા વનરાજ ભાટિયા લંડનની રૉયલ એકેડમી અૉફ મ્યુઝિકના ગૉલ્ડ મેડાલિસ્ટ હતા. તેઓ દિલ્હી યુનિવર્સિટીના વૅસ્ટર્ન મ્યુઝિક ડિપાર્ટમેન્ટના ઈન્ચાર્જ હતા. આશરે સાત હજાર જંગલ્સ તથા અનેક ટીવી સિરિયલ અને ફિલ્મમાં તેમણે સંગીત આપ્યું હતું. તેઓ અપરિણીત હતા અને તેમના એક બહેન કેનેડામાં રહે છે. 
વનરાજ ભાટિયાએ શ્યામ બેનેગલની અનંત નાગ અને શબાના આઝામી અભિનિત અંકુર તથા કુંદન શાહની જાને ભી દો યારોં જેવી ફિલ્મમાં સંગીત આપ્યું હતું. 1988માં આવેલી તમસ માટે તેમને શ્રેષ્ઠ સંગીતકારનો એવૉર્ડ મળ્યો હતો. સર્જનાત્મક અને પરયોગશીલ સંગીત માટે 1989માં સંગીત નાટ્ય અકાદમીએ તેમને સમ્માનિત કર્યા હતા. 2012માં તેમને પદ્મશ્રી એનાયત કરાયો હતો. 
બે વર્ષ અગાઉ વનરાજ ભાટિયાની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે ઘર ચલાવવા માટે વાસણો વેચવા પડયા હતા. તેમના કૅર ટૅકર સુજીતે આ વિશે માહિતી આપતાં ઇન્ડિયન પરફોર્મિંગ રાઈટ સોસાયટીએ તેમને આર્થિક મદદ કરી હતી જો કે, તેમણે સુજીત પર લાખો રૂપિયા હડપી લેવાનો આરોપ મૂકીને નોકરી પરથી કાઢી મૂકયો હતો.   

Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer