ભારતીય ટેસ્ટ ટીમમાંથી કુલદીપ અને હાર્દિક આઉટ : રવીન્દ્રની વાપસી

ભારતીય ટેસ્ટ ટીમમાંથી કુલદીપ અને હાર્દિક આઉટ : રવીન્દ્રની વાપસી
ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ અને ઇંગ્લૅન્ડ વિરુદ્ધની શ્રેણી
ચાર મહિનાના લાંબા પ્રવાસની 20 ખેલાડીની ટીમમાં છ ઝડપી બૉલરનો સમાવેશ: નવા ચહેરાને તક નહીં
નવી દિલ્હી, તા.7: ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલા અને ઇંગ્લેન્ડ વિરૂધ્ધની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની 20 ખેલાડીની ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને ચાઇનામેન બોલર કુલદિપ યાદવને જગ્યા મળી નથી. નવદિપ સૈની પણ પડતો મુકાયો છે. ટીમમાં કોઇ નવો ચહેરો નથી. ધારણા અનુસાર રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીની વાપસી થઇ છે. જ્યારે કેએલ રાહુલ અને વિકેટકીપર રિધ્ધિમાન સાહની પસંદગી ફિટનેસ સાબિત કરવાની શરતે થઇ છે.
ઇંગ્લેન્ડના પ્રવાસમાં ટીમ ઇન્ડિયા સૌથી પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ સામે તા. 18થી 22 જૂન દરમિયાન સાઉથમ્પટન ખાતે રમશે. આ પછી યજમાન ઇંગ્લેન્ડ વિરૂધ્ધની પાંચ ટેસ્ટની શ્રેણીનો 4 ઓગસ્ટથી પ્રારંભ થશે.
ભારતીય ટેસ્ટ ટીમમાં સંભવિત અને આઇપીએલમાં શાનદાર દેખાવ કરનાર યુવા ઓપનિંગ ખેલાડી પૃથ્વી શો અને ઝડપી બોલર પ્રસિધ્ધ ક્રિષ્નાને તક મળી નથી. જો કે ક્રિષ્ના સ્ટેન્ડબાય ખેલાડીઓની સૂચિમાં સામેલ છે. ચાર મહિનાના ઇંગ્લેન્ડના લાંબા પ્રવાસ માટે ચીફ સિલેકટર્સ ચેતન શર્માની આગેવાનીમાં બીસીસીઆઇના પસંદગીકારો 30 ખેલાડીની જમ્બો ટીમ પસંદ કરશે તેવું અનુમાન હતું, પણ 20 ખેલાડીની જ ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં આજે જાહેર કરી છે. જે ખેલાડીઓ પસંદ થયા છે. તેમાંના મોટાભાગના પાછલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સામેલ હતા અને બાદમાં ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીના હિસ્સા હતા.
ઇંગ્લેન્ડની ગ્રીન ટોપ વિકેટની ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ 20 ખેલાડીની ભારતીય ટીમમાં 6 ઝડપી બોલરને જગ્યા આપી છે. ટીમમાં ચાર સ્પિનર અને ત્રણ રેગ્યૂલર ઓપનિંગ બેટસમેન, પાંચ મીડલ ઓર્ડર બેટસમેન અને બે વિકેટકીપર સામેલ છે.
ભારતીય ટેસ્ટ ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંકય રહાણે (વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેએલ રાહુલ અનેરિધ્ધિમાન સાહા (વિકેટકીપર).
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer