સાયબર ઠગો દ્વારા સિમ સ્વેપિંગથી સાવધાન

કોઇપણ સંજોગોમાં ઓટીપી શૅર ન કરતા 
મુંબઈ, તા. 7 : કોરોના કાળમાં ઓનલાઇન છેતરાપિંડીને અંજામ આપવા માટે સાયબર ગુનેગારો હવે નવા નવા પેંતરા અપનાવી રહ્યા છે. તેમના ટાર્ગેટ મોટાભાગે ઓનલાઇન ટ્રાન્ઝેકશન અથવા ડિજીટલ પેમેન્ટ કરનારા લોકો છે. સાયબર ઠગને કોઇપણ ઓનલાઇન છેતરપિંડી કરવા માટે ઓટીપી(વન ટાઇમ પાસવર્ડ) ની જરૂર પડે છે. આ ઓટીપી મેળવવા સાયબર ઠગોએ સિમ સ્વેપિંગની બે રીત અપનાવી છે. આ મામલે કેસ વધી જતાં મુંબઇ પોલીસના સાયબર વિભાગે નાગરિકોને ચેતવણી આપી છે કે ખોટા પ્રલોભનો કે લાલચમાં આવીને પોતાના મોબાઇલ પર આવતા વન ટાઇમ પાસવર્ડ કોઇપણ વ્યકિત સાથે શેયર ન કરો. ઠગ હવે સિમ સ્વેપિંગ કરી બેન્ક ખાતા ખાલી કરી દેતા હોય છે. 
સાયબર નિષ્ણાંત અભિષેક મિત્રા અનુસાર કોઇપણ મોબાઇલ યુઝરનો સિમ કાર્ડ બદલી લેવો અથવા એ જ નંબરનો બીજો સિમકાર્ડ બનાવવાની રીતને સિમ સ્વેપિંગ કહેવાય છે. ઠગ તમારા નંબરનો બીજો સિમ કાર્ડ રજિશ્ટર કરાવે છે ત્યારબાદ તમારો સિમકાર્ડ બંધ થઇ જાય છે અને નેટવર્ક ગુમ થઇ જાય છે. જેવો તમારા મોબાઇલમાંથી નેટવર્ક વાલી જાય ઠગના રજિસ્ટર કરાવેલા નવા સિમકાર્ડમાં નેટવર્ક આવી જાય છે અને ત્યારબાદ તે યુઝરનેમ અને પાસવર્ડ સોશિયલ મિડિયા પરથી મેળવી તમારા બેન્ક ખાતાની માહિતી લઇને અકાઉન્ટ ખાલી કરી લે છે. 
બીજી રીતમાં ક્રિમિનલ સિમ કાર્ડ સ્વેપિંગ માટે પોતાના શિકારને પહેલા ફોન કરે છે અને પોતાને એરટેલ, વોડાફોન, જિયો કંપનીનો કર્મચારી હોવાનું જણાવી માહિતી મેળવે છે. કયારેક ઇન્ટરનેટની સ્પીડ વધારવા કે કોલ ડ્રોપને ઠીક કરવાની વાત જણાવી સિમ કાર્ડની માહિતી લઇને ઓટીપી નંબર હાંસલ કરી છેતરપિંડી કરી લે છે.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer