મુલુંડમાં ડ્રાઈવ-ઈન રસી કેન્દ્ર શરૂ કરવા મનોજ કોટક ચહલને મળ્યા

મુંબઈ, તા. 7 : કોરોનાના પ્રાદુર્ભાવને રોકવા માટે ભાજપના સાંસદ મનોજ કોટકે પાલિકાના કમિશનર ઇકબાલ ચહલ સાથે મુલાકાત કરી હતી અને ડોર-ટુ-ડોર વૅક્સિનેશન તથા ડ્રાઈવ-ઈન વૅક્સિનેશન બાબતે સકારાત્મક ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન ચહલે જણાવ્યું હતું કે મુંબઈની 132 હૉસ્પિટલોએ પાલિકાનો સંપર્ક કર્યો છે અને ટૂંક સમયમાં ડોર ટુ ડોર વૅક્સિનેશન સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરશે. 
સાંસદ મનોજ કોટકે આ સંદર્ભે જણાવ્યું હતું કે ઈશાન મુંબઈમાં મોટા પ્રમાણમાં ગીચ વસતિ હોવાને કારણે કોરોના વધુ ફેલાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં પાલિકા દ્વારા શરૂ કરાયેલ રસીકરણ કેન્દ્રો પર વૅક્સિનના અધૂરા પુરવઠાને કારણે લગભગ 50 ટકા રસીકરણ કેન્દ્રો બંધ છે. તે ઉપરાંત બધા ખાનગી રસીકરણ કેન્દ્રો પણ બંધ છે. જેથી હાલમાં જે રસીકરણ કેન્દ્રો ચાલુ છે ત્યાં લોકોની વધુ ભીડ થઈ રહી છે. સાથે સાથે મનોજ કોટકે એ પણ માગણી કરી કે જ્યાં સુધી ડોર-ટુ-ડોર વૅક્સિનેશન શરૂ થતું નથી ત્યાં સુધી મુલુંડ (પશ્ચિમ)ના કાલિદાસ મેદાન ખાતે ડ્રાઈવ-ઈન વૅક્સિનેશન શરૂ કરવામાં આવે. જેથી કરીને વરિષ્ઠ નાગરિકોને રસીકરણ કેન્દ્રો પર થઈ રહેલી ભીડમાં પરેશાન થવું ન પડે.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer