બાળકો માટે અલગ ટાસ્ક ફોર્સ રચાશે : મુખ્ય પ્રધાન

કોરોનાની ત્રીજી લહેર સામે મહારાષ્ટ્ર સજ્જ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : કોરોનાની ત્રીજી લહેર નાના બાળકો માટે જોખમી હોવાનો અભિપ્રાય તબીબી નિષ્ણાતોએ આપ્યો છે. તેથી મહારાષ્ટ્રમાં બાળરોગોના નિષ્ણાતોના બનેલા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.
સિંધુદુર્ગ જિલ્લામાં બીજા અૉક્સિજન પ્લાંટનું અૉનલાઇન ઉદ્ઘાટન કર્યા પછી મુખ્ય પ્રધાને જણાવ્યું છે કે રસી આપવાના કાર્યક્રમને કારણે કોરોનાની ત્રીજી લહેરને મંદ કરી શકાશે. તેના માટે રસી આપવાના કાર્યક્રમનું સૂક્ષ્મ નિયોજન કરવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેર આવે નહીં એ અમારો પ્રયત્ન છે. મહારાષ્ટ્રમાં 18થી 44 વર્ષની વયજૂથના છ કરોડ લોકો છે. તેઓ માટે 12 કરોડ ડૉઝની જરૂર પડશે. આ બધા ડૉઝ ખરીદવા માટે એક સાથે રકમ ચૂકવી દેવાની અમારી તૈયારી છે. `મારો પરિવાર-મારી જવાબદારી' કાર્યક્રમ વડે કોરોનાના ઉપદ્રવને અંકુશમાં લાવી શકાશે એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરનો મુકાબલો કરી રહ્યા છીએ ત્યારે હવે ત્રીજી લહેરની આગોતરી ચેતવણી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી રહી છે. ત્રીજી લહેર બાળકો માટે મુશ્કેલ પુરવાર થશે. એવી ચેતવણીને પગલે મુખ્ય પ્રધાન ઠાકરેએ બાળરોગોના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. કોરોના માટે બાળરોગોના નિષ્ણાતોનું ટાસ્ક ફોર્સ રચવામાં આવશે. તે બાળકોની સારવાર અને સારસંભાળ લેવાનું કામ કરશે. હૉસ્પિટલમાં બાળકો માટે બિછાના વધારવા, બાળકો માટે વેન્ટિલેટરની વ્યવસ્થા કરવી અને એનઆરસીયુમાં બિછાનાની તૈયારી જેવી સુવિધા વધારવા માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે અંદાજે ગત 15મી ફેબ્રુઆરીથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેરમાં 1.30 લાખ કરતાં વધારે સગીરો સંક્રમિત થયા છે.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer