રસી માટે કોવિન-ઍપ પર રજિસ્ટ્રેશન જરૂરી

`અપૉઈન્ટમેન્ટ સ્લૉટ' મુજબ જ અપાશે વૅક્સિન
મુંબઈ, તા. 7 : મુંબઈ મહાનગર પાલિકા હદમાં પહેલી મેથી 18 વર્ષથી વધુ વયના નાગરિકોનું વૅક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જો કે અનેક સ્થળે વૅક્સિનેશન માટે નાગરિકોની ભીડ થઈ રહી હોવાનું જોવા મળ્યું છે. આ ભીડને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું મુશ્કેલ બની રહ્યું છે અને કોવિડ પ્રતિબંધોની દૃષ્ટિએ જરૂરી સાવચેતી રાખવી પણ મુશ્કેલ બની રહી છે. આ બાબત ધ્યાનમાં લઈને ભીડ ટાળવાની દૃષ્ટિએ અને નાગરિકોનું વૅક્સિનેશન પણ સરળતાથી થઈ શકે તે માટે જે નાગરિકોનું `કોવિન ઍપ' પર રજિસ્ટ્રેશન થયું હોય તેમજ તેમને સંબંધિત વૅક્સિનેશન સેન્ટર પર મળેલા `અપૉઈન્ટમેન્ટ સ્લૉટ' મુજબ જ વૅક્સિનેશન કરવાનો આદેશ મહાપાલિકા આયુક્ત ઈકબાલ સિંહ ચહલે આજે આપ્યો હતો.
મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં કોવિડ પ્રતિબંધાત્મક વૅક્સિનેશન આ વર્ષની 16મી જાન્યુઆરીથી શરૂ થયું છે. આ માટે 147 વૅક્સિનેશન સેન્ટર વૅક્સિનના જથ્થાની ઉપલબ્ધતા મુજબ કાર્યરત છે. તે છતાં છેલ્લા કેટલાક દિવસથી મહાપાલિકાના વિવિધ વૅક્સિનેશન સેન્ટર પર મોટા પ્રમાણમાં ભીડ એકત્ર થઈ રહી છે. 
આથી હવે ફક્ત `કોવિન ઍપ અથવા કોવિન પોર્ટલ' પર સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થયા બાદ `એપોઈન્ટમેન્ટ સ્લૉટ' મળેલા વ્યક્તિઓનું જ વૅક્સિનેશ કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. તે મુજબ તમામ વૅક્સિનેશન સેન્ટર પર સંબંધિત બાબતોની તપાસ ર્ક્યા બાદ જ નાગરિકોને વૅક્સિનેશન સેન્ટરમાં પ્રવેશ આપવાનો આદેશ આજે તમામ સંબંધિતોને આપવામાં આવ્યો છે.
જો કે એમાં બે અપવાદ રાખવામાં આવ્યા છે. 45થી વધુ વય ધરાવતી જે વ્યક્તિને કોવૅક્સિનનો બીજો ડોઝ લેવાનો હોય એમણે તેમના પ્રથમ વૅક્સિનેશનના સર્ટિફિકેટની હાર્ડ કૉપી અથવા સોફ્ટ કૉપી રજૂ કરવાની રહેશે. વૅક્સિનેશન સેન્ટરના વ્યવસ્થાપકો દ્વારા એની યોગ્ય ચકાસણી ર્ક્યા બાદ તેમને વૅક્સિનેશન સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવશે.
બીજા અપવાદમાં આરોગ્ય કર્મચારીઓ અથવા ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી જેમને કોવૅક્સિન અથવા કોવિશિલ્ડ વૅક્સિન પહેલો અથવા બીજો ડોઝ લેવાનો હોય તેમને તેમના ઍમ્પલોયરે પ્રમાણિત કરેલા નિર્ધારિત નમૂના મુજબના પત્રની ચકાસણી કરીને વૅક્સિનેશન સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવશે.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer