મહારાષ્ટ્રમાં પૂરતી રસી નથી; કેન્દ્ર ત્વરિત પુરવઠો આપે : રાજેશ ટોપે

મહારાષ્ટ્રમાં પૂરતી રસી નથી; કેન્દ્ર ત્વરિત પુરવઠો આપે : રાજેશ ટોપે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 7 : રાજ્યના 45 વર્ષથી ઉપરના નાગરિકો માટે રસીનો સ્ટોક મર્યાદિત હોવાથી કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે રસીનો પુરવઠો આપવો જોઈએ એવી માગણી રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે શુક્રવારે કરી હતી. પુણેમાં પત્રકારો સાથે વાત તેમણે કહ્યું હતું કે રસીનો પુરવઠો મળશે એમ રસીના ડોઝ લોકોને આપવામાં આવશે. જો સમયસર આ પુરવઠો નહીં મળે તો અમને 18થી 44 વર્ષના લોકો માટે ખરીદવામાં આવેલી રસીનો ઉપયોગ કરવો પડશે. 
રાજેશ ટોપેએ એમ પણ કહ્યું હતું કે કોવૅક્સિન રસીનો સ્ટોક તો એકદમ મર્યાદિત છે અને કેન્દ્ર સરકારે એનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં કરવો જોઈએ. આ ઉપરાંત રેમડેસિવિર ઈન્જેકશન્સનો પુરવઠો પણ પૂરતા પ્રમાણમાં કેન્દ્ર તરફથી થતો નથી અને એ વિશે હું કેન્દ્ર સરકારને પત્ર પણ લખવાનો છું. 
રસીકરણ ઝુંબેશની માહિતી આપતા તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી 1,73,21,000 જેટલા લોકોને રસીના ડૉઝ આપવામાં આવ્યા છે. આમાંથી 18,66,631 લોકોને બે ડૉઝ અપાયા છે. 
મેડિકલ અૉક્સિજન વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે રાજ્યને 1700 મેટ્રિક ટન અૉક્સિજનની જરૂર છે અને રાજ્યના 38 પ્લાન્ટ્સમાંથી 53 મેટ્રિક ટન અૉક્સિજનનું ઉત્પાદન થાય છે. 
કોરોનાની પ્રસ્તાવિત ત્રીજી લહેર વિશે તેમણે કહ્યું હતું કે અમે એ માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. ત્રીજી લહેર વખતે વધુ બૅડ, અૉક્સિજન, રેમડેસિવિરના ઈન્જેક્શન્સ, અન્ય તબીબી સામગ્રી, ડૉક્ટરો અને અન્ય સ્ટાફની જરૂર પડવાની છે. રાજ્ય સરકારે તબીબી ક્ષેત્રમાં ખાલી પડેલા 16 હજાર ખાલી જગ્યા ભરવાનો પણ નિર્ણય કર્યો છે. આ ભરતી કાયમી સ્વરૂપની હશે.
કોવૅક્સિનના ચારથી પાંચ લાખ 
ડૉઝની તાકીદે જરૂર
મહારાષ્ટ્રને કોવૅક્સિનના ચારથી પાંચ લાખ ડૉઝની તાકીદે જરૂર છે. રાજ્યના ચારથી પાંચ લાખ લોકોને કોવૅક્સિનનો પ્રથમ ડૉઝ અપાઈ ગયો છે. તેમાંના કેટલાકે પ્રથમ ડૉઝ પછીનો 42 દિવસનો ગાળો વિતાવી દીધો છે. જ્યારે અન્ય કેટલાક 42 દિવસનો ગાળો વટાવી દેવાની તૈયારીમાં છે. તેથી અમને ચારથી પાંચ લાખ ડૉઝની તાકીદે આવશ્યકતા છે એમ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું છે.
ફાર્મા કંપનીઓ રેમડેસિવિરનો ક્વોટા નથી આપતીટોપેએ એવો આક્ષેપ કર્યો હતો કે મોટાભાગની ફાર્માસ્યુટિકલ્સ કંપની મહારાષ્ટ્રને રેમડેસિવિરનો  નિર્ધારિત ક્વોટા આપતી નથી. 
તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે કોરોનાની ગંભીર વિમારીમા પટકાયેલા પેશન્ટોને રેમડેસિવિર ઈન્જેકશન આપવા માટે ક્વોટા ફિક્સ કર્યો છે. જોકે ફાર્મા કંપની આ ક્વોટા પુરેપુરો આપતી નથી. અમેરિકી સહાય પેટે ભારત સરકારને મળેલા રેમડેસિવિર ઈન્જેકશન્સમાંથી મહારાષ્ટ્ર બાવન હજાર ઈન્જેકશન્સના વાયલ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું હતું. હિટરો લૅબ્સ નામની ફાર્મા કંપની સિવાય એકેય ફાર્મા કંપની નક્કી કરેલા ક્વોટા પ્રમાણે મહારાષ્ટ્રને રેમડેસિવિરનો ક્વોટા રાજ્યને આપતી નથી. રાજ્યને રોજ છ હજાર ઈન્જેકશનસની જરૂર પડે છે.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer