એન ડી સ્ટુડિયો અને ભિવંડીમાં ભીષણ આગ ; કોઇ જાનહાનિ નહીં

એન ડી સ્ટુડિયો અને ભિવંડીમાં ભીષણ આગ ; કોઇ જાનહાનિ નહીં
નવી મુંબઈ, તા.7 : રાયગઢ જિલ્લાના ખાલાપુર પાસે જાણીતા કલા દિગ્દર્શક નિતિન દેસાઇના એન ડી સ્ટુડિયોમાં શુક્રવારે બપોરે સવા બાર વાગ્યે આગ લાગી હતી. પોલીસે આ મામલે જણાવ્યું હતું કે બપોરે સવા બાર વાગ્યે સ્ટુડિયોમાંના એક સેટ પર આગ લાગી હતી જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી. આ આગ વર્ષ 2008માં આવેલી ફિલ્મ જોધા અકબરના સેટ પર લાગી હતી. આ આગમાં પ્લાયવુડ, પીઓપી અને અન્ય સામગ્રીઓ બળીને ખાખ થઇ હતી. પ્રાથમિક અંદાજ મુજબ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું મનાય છે. આ આગની જાણકારી મળતાં જ એમઆઇડીસી, કર્જત, ખોપોલી અને આસપાસના વિસ્તારોના ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે. 
દરમિયાન  ભિવંડીના દાપોડા ગામની હદમાંના હરિહર કોમ્પલેકસમાં એક રંગ કામ માટે વપરાતા બ્રશ બનાવતી કંપનીના ગોડાઉનમાં શુક્રવારે સવારે ભીષણ આગ લાગી હતી.  દાપોડા ગામના હરિહર કોમ્પલેકસમાંની હેરિસ બ્રશઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની મોટા પ્રમાણમાં રંગકામના બ્રશ બનાવે છે. કંપનીના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં બ્રશ અને કેમિકલનો જથ્થો મૂકાયો હતો. શુક્રવારે સવારે ગોડાઉનમાં આગ લાગતા તમામ સામગ્રીઓ બળીને ખાખ થઇ હતી. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી. આગની જાણકારી મળતાં જ ભિવંડી, કલ્યાણ, થાણે અગ્નિશમન દળનાં ત્રણ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ આગની ઘટનાની નોંધ નારપોલી પોલીસ સ્ટેશને કરી છે. આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer