ભારતની વ્હારે વિશ્વ : યુએન મેદાનમાં; 40 દેશ પાસેથી ભારતે દાન-મદદ સ્વીકાર્યા

ભારતની વ્હારે વિશ્વ : યુએન મેદાનમાં; 40 દેશ પાસેથી ભારતે દાન-મદદ સ્વીકાર્યા
નવી દિલ્હી, તા.7 : કોરોના મહામારીના ભયંકર પ્રકોપનો સામનો કરી રહેલા ભારતની વ્હારે વિશ્વના અનેક દેશ આગળ આવ્યા છે. ભારતે 9પ દેશને 6 કરોડ જેટલા વેક્સિન ડોઝની મદદ કર્યા બાદ અત્યાર સુધીમાં 40 જેટલા દેશે મદદનો હાથ લંબાવ્યો છે. કોરોના મહામારીને પગલે ભારતે 16 વર્ષ બાદ વિદેશી મદદ ન લેવાની પોતાની નીતિ બદલી દાન, મદદ સ્વીકારવાનું શરૂ કર્યુ છે. સાથે ચીનથી ઓક્સિજન ઉત્પન્ન કરતાં ઉપકરણો, જીવનજરૂરી દવાઓ સહિત સામગ્રી ખરીદવા નિર્ણય લેવાયો છે.
કોરોનાના સતત વધી રહેલા કેસ અને મૃત્યુ વચ્ચે દેશમાં મેડિકલ ઓક્સિજન,વેન્ટિલેટર, દવાઓ સહિત સામગ્રીની ભારે અછત છે. આવા મુશ્કેલ સમયમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતને 10 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર,1 કરોડ મેડિકલ માસ્ક,1પ લાખ ફેસશીલ્ડ, પીપીઈ કીટ, થર્મલ ગનનો જથ્થો મોકલાયો છે. સંયુક્ત રાષ્ટ્રએ ભારત માટે વેન્ટિલેટર અને ઓક્સિજન ઉત્પાદન કરતાં પ્લાન્ટની ખરીદી કરી છે. યુનિસેફ, ડબલ્યુએચઓ, યુએનએફપીએ જેવી એજન્સીઓ ભારતમાં દોડી છે. કોરોના વેક્સિન રાખવા માટેના કોલ્ડ ચેઈન ઉપકરણ મોકલવામાં આવ્યા છે. 
યુએન મહાસચિવ એંટોનિયો ગુતારેસના પ્રવકતા સ્ટિફન દુજારિકે નિવેદનમાં કહ્યું કે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રનું દળ આ મહામારીનો સામનો કરવા રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે સરકારોની મદદ કરી રહ્યું છે. ભારતમાં રસીકરણ કાર્યક્રમની દેખરેખમાં યુએનનો સહયોગ મળી રહ્યો છે.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer